હિરાસર એરપોર્ટના ફાયર સુપ્રિ.નું હાર્ટએટેકથી મોત
ચાલું ફરજે જ ઢળી પડ્યા: સાથી કર્મીને મને પરસેવો બહુ વળે છે' કહ્યાની મિનિટોમાં જ હુમલો આવ્યો: હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ પ્રાણપંખેરું ઉડી ગયું વોઈસ ઓફ ડે, રાજકોટ રાજકોટ સહિત આખા ગુજરાતમાં હાર્ટ એટેકનો સિલસિલો ઘટવાનું નામ લઈ રહ્યો નથી અને દરરોજ મૃત્યુ થવાના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે.
દરમિયાન રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફાયર સુપ્રિન્ટેન્ડેન્ટનું ચાલું ફરજે હાર્ટએટેકથી મૃત્યુ થતાં પરિવાર તેમજ સાથી કર્મીઓમાં ગમગીની વ્યાપી જવા પામી હતી. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ૨૦૦૬થી એરપોર્ટમાં ફાયર સુપ્રિ. તરીકે કાર્યરત મુકેશભાઈ ટી.મકવાણા (ઉ.વ.૪૭, રહે.એરપોર્ટ કોલોની-રાજકોટ) સોમવારે વહેલી સવારે ૬ વાગ્યે પોતાની ફરજ પર હાજર હતા. આ પછી ૧૧:૧૫થી ૧૧:૩૦ દરમિયાન તેમની તબિયત અચાનક લથડી હતી અને પરસેવો વળવાનું શરૂ થયું હતું. આ પછી તેમણે સાથી કર્મીનેમને પરસેવો બહુ વળે છે’ તેવું કહ્યાની મિનિટોમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો અને સ્થળ પર જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. એક તબક્કે સ્ટાફે હોસ્પિટલે ખસેડવા માટે દોડધામ કરી હતી પરંતુ તે પહેલાં જ તેમનું પ્રાણપંખેરું ઉડી જતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. મુકેશભાઈ મકવાણાને પરિવારમાં ૨૦ વર્ષની અને ૭ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મુળ વડોદરાના રહેવાસી હતા.
ભીમનગરના ૩૧ વર્ષીય યુવકે દમ તોડ્યો
હાર્ટએટેકને કારણે ભીમનગરમાં રહેતાં અને ત્રણ સંતાનોના પિતા એવા ૩૧ વર્ષીય રાજેશ વાઘેલાએ દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્પાંત વ્યાપી જવા પામ્યો હતો. રાજેશ વાઘેલાને વહેલી સવારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ ત્યાં તેની સારવાર કારગત નિવડી ન્હોતી.
