આખરે જૂની પેન્શન યોજનાને લઈને ઠરાવ કરતી સરકાર
૧-૫-૨૦૦૫ પહેલાં સરકારની જૂની પેન્શન જે કચેરીને લાગુ પડતી હશે તેને જ આ યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈને લાંબી લડત બાદ અંતે સરકારે ઠરાવ પસાર કર્યો છે. ઠરાવમાં જણાવ્યા પ્રમાણે ૧-૫-૨૦૦૫ પહેલાં સરકારની જૂની પેન્શન યોજના જે કચેરીને લાગુ પડતી હશે તેને જ આ યોજનાનો લાભ મળશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ દ્વારા (લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યુ અને પરિણામની જાહેરાત) પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય અથવા રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ સરકારી તેમજ માન્યતા પ્રાપ્ત બિન-સરકારી અનુદાનિત સંસ્થાઓમાં સક્ષમ કક્ષાએથી મંજૂર થયેલ જગ્યાઓ પર માન્ય ભરતી પ્રક્રિયા મારફતે તા.૧-૪-૨૦૦૫ પહેલાં પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય તેવા કેસમાં જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.
આ કેસોમાં સંબંધિત સંવર્ગની ભરતી અંગેનું પરિણામ તા.૧-૪-૨૦૦૫ પહેલાં જાહેર થયેલ હોય પરંતુ વહીવટી કારણોસર કે પછી કોર્ટ કેસ પડતર હોવાના કારણે નિમણૂક ૧-૪-૨૦૦૫ના રોજ કે ત્યારબાદ આપવામાં આવી હોય, સંબંધિત સંવર્ગની ભરતી અંગેનું પરિણામ ૧-૪-૨૦૦૫ પહેલાં જાહેર થયેલ હોય પરંતુ વહીવટી કારણોસર અથવા તો કોર્ટ કેસ પડતર હોવાના કારણે ફિક્સ પગારમાં નિમણૂક ૧-૪-૨૦૦૫ કે ત્યારબાદ આપવામાં આવી હોય, ફિક્સ પગારનો નિયમ સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામ્યા હોય, તા.૧-૪-૨૦૦૫ પહેલાં ફિક્સ પગારમાં નોકરીમાં જોડાયા હોય અને તા.૧-૪-૨૦૦૫ પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો સંતોષકારક પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામ્યા હોય તેને આ યોજનાનો લાભ મળશે. ઉપરોક્ત કર્મચારી પૈકી જેઓ સીધી ભરતીથી અન્ય સંવર્ગમાં નિયમિત નિમણૂક પામ્યા હોય અને જેમની સેવાઓ નાણા વિભાગની સંમતિથી જોડવામાં આવી હોય તેમને જૂની પેન્શન યોજના લાગુ પડશે.