અંતે રાજકોટ પોલીસના મનમાં રામ વસ્યા ! વાહનો પરસેફ ગાર્ડ’ લગાવ્યા
‘વોઈસ ઓફ ડે'એ તંત્રનું ધ્યાન દોર્યું'ને બીજા જ દિ'થી અમલ શરૂ
પતંગની ઘાતક દોરીથી ગળા ન કપાય તે માટે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાની બે દિવસથી ચાલી રહેલી ઝુંબેશ
મકરસંક્રાંતિના તહેવાર આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ સંક્રાંત પહેલાં જ રાજકોટમાં પતંગ ઉડાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. ઘણી વખત એવું બન્યું છે કે પતંગની ઘાતક દોરીને કારણે લોકોના ગળા કપાયા હોય ! આવું ન બને તે માટે અમદાવાદ સહિતના શહેરોની પોલીસ દ્વારા ટુ-વ્હીલર ચાલકોના વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવવાનું શરૂ કરાયું હતું પરંતુ રાજકોટમાં હજુ આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાથી હંમેશા પ્રજાનો અવાજ બનતાં `વોઈસ ઓફ ડે’ દ્વારા તંત્રનું ધ્યાન દોરતો અહેવાલ પ્રસિદ્ધ કર્યાના બીજા જ દિવસથી અમલ શરૂ કરીને ૧૦૦થી વધુ વાહનો ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.
ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ, એસીપી જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ તા.૬ જાન્યુઆરીએ બપારે ૧:૪૫થી ૨:૨૫ વાગ્યા સુધી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ પાસે પોલીસે તૈનાત થઈને સલામતિના ભાગરૂપે ટુ-વ્હીલર ઉપર સેફ્ટી ગાર્ડ લગાવ્યા હતા. આ ઝુંબેશમાં ટ્રાફિક શાખા સેક્ટર-૩ના પીઆઈ જે.એસ.ગામીત, પીએસઆઈ આર.જે.ચારણ તેમજ એ.કે.રાઠોડ હાજર રહ્યા હતા. જ્યારે બીજા દિવસે એટલે તે તા.૭ના સવારે ૧૦થી ૧૦:૩૫ વાગ્યા સુધી પુનિતનગર સર્કલ પાસે ટ્રાફિક શાખા સેક્ટર-૩ના પીએસઆઈ ટી.ડી.સુમેરા સહિતના દ્વારા વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવાની ઝુંબેશ ચલાવી હતી.