અમિત શાહ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુન્હો નોંધો : બસપા
ડો.બાબા સાહેબ આંબેડકરના અપમાન મામલે જિલ્લા કલેક્ટરને આવેદન
દેશના સંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કરેલા ભાષણમાં બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબનું નામ લઈ દ્વેષ ભાવ સાથે તુચ્છ ભાષામાં કરેલા ઉચ્ચારણ બાબતે વિરોધ વ્યકત કરી બહુજન સમાજ પાર્ટી રાજકોટ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય ગૃહમંત્રી વિરુદ્ધ રાષ્ટ્રદોહ અંગે ગુન્હો નોંધવાની સાથે એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
બહુજન સમાજ પાર્ટી રાજકોટ સંગઠન દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, ભારત દેશના સર્વોચ્ચ સદન સંસદ ભવનમાં દેશની તરક્કી અને વિકાસ માટે નીતિઓ તૈયાર કરવા માટે સંસદનું શીતકાલીન સત્ર ચાલી રહ્યું છે. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના તમામ સાંસદોની ચર્ચા સત્ર ચાલી રહ્યું છે, જેમાં ગત તારીખ 17/12/2024 ના રોજ દેશના ગૃહ મંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરજીનું નામ લઇ વિવાદિત ટિપ્પણી કરી કહ્યું હતું કે, આજકાલ આંબેડકર, આંબેડકર કા નામ લેના ફેશન હો ગયા હૈ ઇતના નામ કિસી ભગવાન કા લેતે તો સાત જન્મ સ્વર્ગ મે સ્થાન મિલતા આવા દ્વેષ ભાવ રાખી તુચ્છ ભાષામાં ઉચ્ચારણ કરી તેઓએ ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કર્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે.
વધુમાં ડૉ.બાબા સાહેબ આજના આધુનિક ભારતનું નિર્માણ થાય તે માટે ખૂબ જ કાર્યો કરેલ છે. બાબા સાહેબે સંવિધાન થકી દેશના તમામ જાતિ ધર્મ અને ગરીબ તવંગરને એક તાંતણે બાંધીને સમાનતા,ન્યાય,અને બંધુતા આપી ભગવાનથી વિશેષ કામ કર્યું છે, ગૃહમંત્રીએ જે વિવાદિત ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર દેશમાં સર્વ સમાજમાં પણ રોષ જોવા મળે છે જે ખૂબ જ નીંદનીય અને ગંભીર બાબત છે. આ રીતે દેશના રાષ્ટ્રીય મહાપુરુષોનું અપમાન કરવું ગુનો છે જેથી ગૃહમંત્રી અમિત શાહ દેશની જનતાની જાહેર માફી માંગે તેમજ ડૉ. બાબા સાહેબનું અપમાન એટલે ભારતના તમામ નાગરિકોનું અપમાન છે તે માટે અમિત શાહ ઉપર રાષ્ટ્રદ્રોહ અને અનુ. જાતિ અપમાન બદલ એટ્રોસીટી એક્ટની કલમો લગાવી કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી.