પિતાની વેદના…આરોપીઓને જામીન મળ્યા એટલે હું જાનથી મારી નાખીશ !!
મારો પરિવાર વિખેરાઈ ગયો, હવે કશું બચ્યું નથી એટલે હું એકેયને નહીં છોડું
આરોપી વિરુદ્ધ કેસ લડતાં વકીલ માંગે એટલી ફી હું આપીશ, મારે કોઈ જ સરકારી સહાય નથી જોઈતી: તમામને ફાંસીની સજા મળે એ જ મારી માંગ
દૂર્ઘટનામાં મોતને ભેટેલા ૧૪ વર્ષીય રાજભાના પિતા પ્રદીપસિંહ ચૌહાણ ભાંગી પડ્યા: પુત્ર ઉપરાંત તેમના પરિવારના ૮ લોકો ગયા’તા; પાંચના મોત, ત્રણ ઘવાયા
ટી.આર.પી.ગેઈમ ઝોનમાં બનેલી દૂર્ઘટનાથી સૌ કોઈ હતપ્રભ થઈ ગયા છે ત્યારે સૌની એક જ માંગણી છે કે આ ઘટનામાં જે પણ જવાબદાર હોય તેમને કડકમાં કડક સજા મળે. આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા પ્રદીપસિંહ ચૌહાણે પત્રકાર પરિષદને સંબોધન કરીને જણાવ્યું કે આ ઘટનામાં સામેલ એક પણ આરોપીને જામીન મળશે એટલે તેઓ તેને જાનથી મારી નાખશે !
ક્નસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રદીપસિંહ ચૌહાણે જણાવ્યું કે તેમનો ૧૪ વર્ષીય પુત્ર રાજભા ચૌહાણ ઉપરાંત સાઢુભાઈ વીરેન્દ્રસિંહ (ઉ.વ.૩૮), તેમનો પુત્ર, તેમની ભત્રીજી ગુડ્ડીબા હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૧૦), તેમના સાળા ઓમદેવસિંહ ગોહિલ ઉપરાંત ઘટનામાં ઘાયલ થયેલા જીજ્ઞાબા સહિતના આઠ લોકો ટી.આર.પી.ગેઈમ ઝોનમાં ગયા હતા. આ તમામ બપોરે ૪ વાગ્યા આસપાસ ઘેર નીકળ્યા હતા. આ પછી ત્યાં પહોંચ્યાની થોડી જ વારમાં ફોન આવ્યો હતો કે અહીં મોટી આગ લાગી ગઈ છે અને બધા ફસાયા છે. આ ફોન સાઢુભાઈ અને તેમના સાળાએ કર્યો હતો. એ ત્રણ લોકો પ્રથમ માળે હતા જ્યારે પુત્ર સહિતના પાંચ લોકો બીજા માળે કે જ્યાં આગ લાગી હતી ત્યાં ફસાયા હતા. ફોન કરનારનું કહેવું હતું કે અહીં કોઈ જવાબ આપતું નથી અને જવાબદારો દરવાજો બંધ કરીને ભાગી ગયા છે !
પોતાની માંગ અંગે તેમણે કહ્યું કે આરોપીઓનો કેસ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી કોઈ વકીલે લડવો ન જોઈએ. જો કોઈ વકીલ ફી માટે જ કેસ લડવા માંગતાં હોય તો તેઓ આ કેસ ન લડે કેમ કે હું તેમને તેમની ફી ઉપરાંત બે લાખ રૂપિયા વધુ આપવા માટે તૈયાર છું !!
આરોપીઓને ફાંસીની સજા થાય કે બીજી કોઈ પણ સજા મળે. જો પૂરી કર્યા વગર તેઓ બહાર આવ્યા એટલે હું તેમને જાનથી મારી નાખીશ તે પાક્કું છે. આને તમે ધમકી સમજો તો ધમકી અને એક પિતાની વ્યથા સમજો તો વ્યથા છે…
મને મળનારી તમામ સહાય હું જરૂરિયાતમંદને આપી દઈશ
પ્રદીપસિંહ ચૌહાણે જણાવ્યું કે મારે સરકાર તરફથી મળનારી સહાયની કોઈ જરૂર નથી એટલા માટે મને જે પણ સહાય મળશે એ તમામ હું જરૂરિયાતમંદ લોકોને આપી દેવાનો છું. મારી આગળ પાછળ હવે કોઈ છે જ નહીં એટલા માટે મને આ રકમની કશી જરૂર નથી પરંતુ જો આરોપીઓ વહેલા છૂટ્યા તો હું તેમને જીવવા દેવાનો નથી.
જે રીતે મારા પરિવારની ઓળખપરેડ નથી થઈ તેવી જ રીતે હું આરોપીઓની પણ નહીં થવા દઉં
પ્રદીપસિંહે ગર્ભિત ચેતવણી આપતાં એમ પણ કહ્યું હતું કે જે રીતે મારા પરિવારની ઓળખપરેડ નથી થઈ રહી તેવી જ રીતે હું એક પણ આરોપીની ઓળખ પરેડ થવા દઈશ નહીં. જો આ લોકો જામીન લઈને બહાર આવ્યા એટલે તેમણે કલ્પના નહીં કરી હોય તેવી હાલત હું તેમની કરીશ.
