રાજકોટમાં ખાનગી ઓફિસમાં ધમધમતી નકલી RTO કચેરી !
રાજકોટમાં ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવું હોય તો 6 હજાર, જામનગરમાં 8 હજારનો ભાવ
રાજકોટના બસ એરપોર્ટમાં ખાનગી ઓફિસમાંથી ઓપરેટ થતા કૌભાંડ મામલે રાજકોટ આરટીઓ દ્વારા ફરિયાદ નોંધાવવા તજવીજ
રાજકોટ : નકલી દારૂ, નકલી અધિકારી, નકલી કચેરી….. વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં નકલીની બોલબાલા વધી છે ત્યારે રાજકોટમાં ખાનગી ઓફિસમાં આરટીઓ કચેરીની પેરેલલ કામગીરી કરી રાજકોટની સાથે – સાથે જામનગર જિલ્લામાં ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરાવી આપવા ઉપરાંત ડ્રાઈવીંગ ટ્રેક ઉપર ટેસ્ટમાં 100 ટકા પાસ કરાવી દેવાના બદલામાં 6થી 8 હજારમાં ડ્રાઈવીંગ લાયસન્સ ગેરંટી સાથે કાઢી આપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, આ ગંભીર બાબત રાજકોટ આરટીઓ અધિકારીના ધ્યાન ઉપર આવતા હાલમાં ફરિયાદ નોંધાવવા પણ તજવીજ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા આરટીઓ કચેરીમાં એજન્ટપ્રથા બંધ કરી લાયસન્સ કાઢવાની તેમજ અન્ય આનુસંગિક કામગીરી ઓનલાઇન કરી છે, સાથે જ અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે ડ્રાઈવીંગ લાયસન્સ કાઢવાની પ્રક્રિયા કડક બનાવી ડ્રાઈવીંગ લાયસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ અને ટુ-વ્હીલર, થ્રિ- વ્હીલર, ફોર-વ્હીલર અને હેવી વાહનો માટે ટ્રેક ટેસ્ટ ફરજીયાત બનાવી સીસીટીવી સાથે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, આમ છતાં પણ આરટીઓની આંખમાં ધૂળ નાંખી દલાલો સક્રિય બની 4થી10 હજાર રૂપિયામાં ટ્રેક ટેસ્ટ અને કોમ્યુટર ટેસ્ટ પાસ કરાવવાના ધંધા કરી રહ્યા છે તેવામાં રાજકોટના નવા બસ પોર્ટમાં તો એક શખ્સે હદ વટાવી દઈ આરટીઓની પેરેલલ ખાનગી ઓફિસમાંથી આરટીઓ કચેરી ચાલતી હોય તેવી સિસ્ટમ ઉભી કરી લાયસન્સ કઢાવવા માટેની જટિલ પ્રક્રિયામાં પડ્યા વગર જ રાજકોટ તેમજ જામનગર આરટીઓ કચેરીમાં કોમ્પ્યુટર તેમજ ટ્રેક ટેસ્ટ પાસ કરાવી દેતો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના અદ્યતન બસપોર્ટના ત્રીજા માળે આવેલી આરઆર નામની ઓફિસમાં ચાલતી મીની આરટીઓ કચેરીનો સંચાલક કોઈપણ મુર્ગો આવે તો વધાવી લે છે અને રાજકોટમાં લાયસન્સ કઢાવવું હોય તો 6000 રૂપિયા તેમજ જામનગરમાં લાયસન્સ કઢાવવું હોય તો 8000 રૂપિયા ભાવ નિયત કરી જેટલું આવડે તેટલું કોપ્યુટર ટેસ્ટમાં ટીક કરવું બાકીનું ફોડી લેશું તેમજ ટ્રેક ટેસ્ટમાં પણ બધી ગોઠવણ કરી આસાનીથી લાયસન્સ કાઢી આપતો હોવાના પુરાવા સામે આવ્યા છે, સમગ્ર મામલો રાજકોટ આરટીઓ કચેરીના ધ્યાને આવતા પુરાવાઓ એકત્રિત કરી ડ્રાઈવીંગ લાયસન્સમાં ખેલ પડતા શખ્સને કાનૂની ગિરફ્તમાં લેવા તજવીજ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.
તપાસ બાદ એનેકના તપેલા ચડી જશે
રાજકોટના બસપોર્ટમાં આરટીઓની પેરેલલ ફ\ગેરંટી સાથે કોમ્પ્યુટર ટેસ્ટ અને ટ્રેક ટેસ્ટ પાસ કરાવવાનું કૌભાંડ જે તે વિભાગના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી વગર શક્ય જ ન હોવાનું સ્પષ્ટ છે ત્યારે આ ચકચારી બનાવમાં આર.આર નામની ઓફિસ શરૂ કરી લોકો પાસેથી નાણાં લઈ કોમ્યુટર અને ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરાવવાના આ ખેલમાં તપાસ બાદ રાજકોટ તેમજ જામનગરમાં કૌભાંડ સાથે સંડોવાયેલા અનેક લોકોના તપેલા ચડી જાય તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે.