ટીઆરપી ગેમઝોનના સંચાલકોએ 22 લાખથી વધુની આઇટીસી લીધાનો ઘટસ્ફોટ
ટીઆરપી ગેમઝોન અને રેસ-વે એન્ટરપ્રાઈઝના નામે બે અલગ – અલગ જીએસટી મેળવ્યા હતા
રાજકોટમાં 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ અનેક ચોંકાવનારી કે, હકીકતો સામે આવી રહી છે ત્યારે ગેમઝોનના સંચાલકોએ ટીઆરપી ગેમઝોન અને રેસ-વે એન્ટરપ્રાઈઝના નામે બે અલગ – અલગ જીએસટી મેળવ્યા હોવાનું અને પાછલા બે વર્ષમાં અંદાજે 22 લાખથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઇટીસી મેળવી હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના કાલાવડ રોડ ઉપર તા.25 મે ના રોજ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 નિર્દોષ લોકો આગમાં ભડથું થઇ ગયા બાદ આ ગેરકાયદે ખડકાયેલા મોતના માંચડામાં ગેમઝોનના સંચાલકોએ તમામ ગેરકાયદે કામો વચ્ચે એક કામ કાયદેસર કર્યું હોવાનું સામે આવ્યું છે. ગેમઝોનના મુખ્ય સંચાલક એવા ધવલ ઠક્કરે ગેમઝોન માટે ધવલ કોર્પોરેશનના નામે તા.02-03-2024ના રોજ જીએસટી નંબર મેળવ્યો હતો જેમાં એમ્યુઝમેન્ટપાર્ક, સર્વિસ રેસ્ટોરન્ટ, કાફે, રૂમ સર્વિસ, ડોર ડિલિવરી અને ફૂડ સર્વિસના નામે 40,31,130નું ટર્ન ઓવર દર્શાવી રૂપિયા 16 લાખ 17 હજાર 754ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું સામે આવ્યું છે.
વધુમાં ચબરાક એવા ટીઆરપી ગેમઝોનના સંચાલકો પૈકી અશોકસિંહ, કિરીટસિંહ, યુવરાજ, પ્રકાશ અને રાહુલના નામે બીજો જીએસટી નંબર રેસ-વે એન્ટરપ્રાઈઝના નામે 31-05-2023ના રોજ મેળવવામાં આવ્યો હતો જેમાં ગેમઝોનના સંચાલકોએ રૂપિયા 37,93,333નું ટર્નઓવર દેખાડી અહીં પણ 6,56,079ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે, ગેમઝોનમાં રમવા આવતા લોકો પાસેથી 5000થી લઈને 2500 સુધીના પેકેજ ઓફર કરી ગેરકાયદેસર ખડકાયેલા મોતઝોનમાં સંચાલકોએ કરોડોની કમાણી કર્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.