સૌરાષ્ટ્રને બાદ કરતા બધે મેઘરાજા ભરપૂર વરસ્યા
સૌથી વધુ ઉમરપાડામાં 20 ઇંચ : નેત્રંગમાં આઠ ઇંચ : અમદાવાદ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ ઠેર ઠેર વરસાદ
ગુજરાત ઉપર સક્રિય થયેલી વરસાદની ત્રણ ત્રણ સીસ્ટમને લીધે સોમવારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. સુરત જિલ્લાનાં ઉમરપાડામાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ ઉભી થઇ હતી અને આખા દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આ સિવાય ભરૂચના નેત્રંગમાં પણ આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડોદરાનાં વાઘોડિયા અને શિનોર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અરવલ્લીનાં શામળાજી અને ભિલોડામાં ભારે વરસાદ પડ્યો હતો. આજે અમદાવાદમાં પણ મેઘરાજા વરસ્યા હતા. આમ, વરસાદ અંગે કરવામાં આવેલી આગાહી મુજબ જ મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને હજુ આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે હોવાનું જણાવાયુ છે. જો કે, સોમવારે સૌરાષ્ટ્રમાં ગોંડલ, જામકંડોરણા, જોડિયા,ટંકારા અને ભાણવડ, લખતર, ચુડા, લીંબડી, જુનાગઢ, કોડીનાર કલ્યાણપુર જેવા શહેરોમાં અડધાથી લઈને બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બાકી કોઈ સ્થળે નોંધપાત્ર વરસાદ નહી પડતા મેઘરાજાના લીસ્ટમાંથી સૌરાષ્ટ્ર બાકાત થઇ ગયું કે શું તેવું લોકો વિચારી રહ્યા છે.
સુરત જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના 6થી 8 દરમિયાન ચાર ઈંચ તથા 8થી 10 વાગ્યા દરમિયાન 10 ઈંચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા તથા માંડવી તાલુકાઓના 16 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. આ પછી પણ અનરાધાર વરસાદ ચાલુ રહ્યો હતો અને ચારેબાજુ પાણી પાણી થઇ ગયું હતું.
આ સિવાય ઓલપાડ તાલુકામાં સવારના 6થી12 વાગ્યા દરમિયાન 3 મી.મી., માંગરોળ તાલુકામાં 17 મી.મી., માંડવીમાં 6, કામરેજમાં 4, બારડોલીમાં 3, મહુવામાં 5, કામરેજમાં 4 તથા સુરત શહેરમાં વરસાદી ઝાપટાઓ પડયા હતા. સાબરકાંઠાનાં હિમતનગરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
અતિ ભારે વરસાદના કારણે ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદ પડતાં તંત્ર દોડતું થયું છે અને બચાવ કામગિરી પણ શરુ કરાઇ છે.
આજે ગરુડેશ્વર, નાંદોડ, તિલકવાડા, કરજણ, ડભોઇ, સંખેડા, બોડેલી, ડેડીયાપાડા, માંગરોળ, સોનગઢ, નસવાડી, મહેમદાવાદ, નડીયાદ, ચીખલી, ભરૂચ, વાલિયા, ધાનેરા, દહેગામ, માતર, વાગરા, ઝગડિયા, ગોધરા, આનંદ, રાધનપુર, તારાપુર, મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.