લોકસભા ચૂંટણીના ખર્ચ પેટે 9 કરોડની ગ્રાન્ટ માંગતી ચૂંટણીશાખા
મંડપ, પાણી, જમણવાર અને વીડિયોગ્રાફી સહિતના ખર્ચના ચુકવણા માટે ગ્રાન્ટ મંગાઈ
રાજકોટ : લોકસભા ચૂંટણીમાં થયેલા વિવિધ ખર્ચના હિસાબોની પતાવટ માટે રાજકોટ ચૂંટણીશાખા દ્વારા ચૂંટણીપંચ પાસે રૂપિયા 9 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે, નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી સમયે મંડપ, પાણી, જમણવાર અને વીડિયોગ્રાફી સહિતની બાબતો ટેન્ડરિંગ કરી નક્કી કરવામાં આવી હતી જેના ચુકવણા કરવાનો સમય આવતા ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની ચૂંટણીશાખા દ્વારા એપ્રિલથી જૂન માસ દરમિયાન યોજાયેલ લોકસભા ચૂંટણી અંતર્ગત કરવામાં આવેલ વિવિધ ખર્ચ અને ખાસ કરીને ચૂંટણી સમયે મતદાન મથકો, રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટર, મત ગણતરી સ્થળ સહિતના સ્થળોએ મંડપ સર્વિસ, લાઇટિંગ, કેટરિંગ અને પાણી તેમજ ચૂંટણી દરમિયાન વીડિયોગ્રાફી સહિતના ટેન્ડરપ્રક્રિયા કરી કરવામાં આવેલ ખર્ચના ચુકવણા કરવા માટે સમય નજીક આવી જતા ચૂંટણી પંચ સમક્ષ 9 કરોડની ગ્રાન્ટ ફાળવવા માંગણી કરી હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.