ભાર નહિ પણ “ફડાકા”વાળું ભણતર: રાજકોટમાં 10 દિવસમાં 4 સ્કૂલોમાં “થપ્પડવાળી”…!!
ઘટનાઓને લઈને વિદ્યાર્થી સંગઠનોના વિરોધ તો પેરેન્ટ્સ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે સમાધાન:મામલો સમેટાયા બાદ જિલ્લા શિક્ષણ તંત્રની નોટિસ…!!
રાજકોટનો શિક્ષણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે, ભાર નહીં પણ ‘ફડાકા’વાળુ ભણતર બન્યો હોય તેમ છેલ્લા અમુક દિવસોથી તબક્કાવાર અલગ અલગ સ્કૂલમાં શિક્ષકો વિદ્યાર્થીઓને થપ્પડ લગાવે છે તો વિદ્યાર્થીનીઓ વચ્ચે “ફડાકાકાંડ” સર્જાય છે. આ બધી જ ઘટનાઓની વચ્ચે વિદ્યાર્થીઓના માનસ પર અસર કરતા છે જેના લીધે તેમના શિક્ષણકાર્ય અલગ દિશામાં જઇ રહ્યું છે.
થોડા દિવસો પહેલા રાજકોટ જિલ્લામાં જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં એક વિદ્યાર્થીને પાંચ જેટલા લાફા જીકી દીધા હતા, રાજકોટ શહેરમાં આવેલી શિક્ષણ સમિતિની શાળા નંબર 92માં સ્કૂલના પ્રિન્સિપાલે જ આંગણવાડીનાં ભૂલકાંને થપ્પડ મારી ખુરશીઓ ના ઘા કર્યા હતા, તો ગઈકાલે જ તપન સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ હોમવર્ક ન કર્યું હોવાથી આચાર્યએ લાફો મારી દીધો હતો જેના કારણે આ વિદ્યાર્થીની શાળાએથી નીકળી ગઈ હતી, ઘરે પહોંચી ન હતી. આ ઉપરાંત છેલ્લા ચાર દિવસથી એસ એન કે સ્કૂલની બસમાં સિનિયર અને જુનિયર છાત્રાઓ વચ્ચે અંદરો અંદરની લડાઈને પગલે વાતાવરણ તંગ થઈ ગયું હતું.
આ દરમિયાન રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર એ જણાવ્યું હતું કે, એસ એન કે અને જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલને કારણદર્શક નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓ કે વાલી તરફથી હજુ સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી.
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા થાળીઓ વગાડી વિરોધ:હલ્લાબોલ
રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં શિક્ષણ જગત માટે અશોભનીય ઘટનાઓ બની રહી છે, દિવસેને દિવસે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો દ્વારા માર મારવાની ઘટના વધી રહી છે, જેના વિરોધમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ગુજરાતના શિક્ષણ વિભાગ ને જગાડવા માટે થાળીઓ વગાડી ધારણા કરી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, પ્રમુખ પ્રણવ ગઢવી, કલાપી વારા, અમન અન્સારી,ફરાઝ મોગલ,સુજલ સોઢા, પિયુષ ભંડેરી, ઇમરાન કામદાર સહિત કાર્યકરો આ વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા . વિરોધ પ્રદર્શનના લીધે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.