શિયાળાની ઠંડીને લઇ શિક્ષણવિભાગનો પરિપત્ર : કોઇ શાળા નિર્ધારિત રંગનુ સ્વેટર પહેરવા દબાણ નહી કરી શકે
જો કોઈ શાળા ચોક્કસ પ્રકારનુ સ્વેટર પહેરવા દબાણ કરશે ત્યા હલ્લાબોલ : રોહિતસિંહ રાજપુત
રાજકોટના વાલીઓ માટે આ બાબતે કોંગ્રેસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા…
પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી સૂચના રાજ્ય શિક્ષણમંત્રીએ આપી છે. રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર શિક્ષણવિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.
આ પરિપત્રને લઇ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું (ઠંડી ન રોકી શકે તેવું) સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.કોઈ પણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબૂર કરી શકશે નહિ, તેમજ મંત્રીએ વાલીઓને અપીલ કરી કે, કોઈ પણ બાળકને તેના માતાપિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર, ટોપી, હાથના મોજાં પહેરાવી શકશે અને કોઈ પણ ખાનગી શાળા અને અન્ય શાળા તેમાં કોઈ પણ રોક ટોક કરી શકશે નહિ.જો કોઈ શાળા તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરાવવાનો આગ્રહ કરશે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે તેમજ રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે.
આ બાબતને લઇ કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતનુ નિવેદન સામે આવ્યુ હતુ કે શિક્ષણવિભાગે પરિપત્ર તો જાહેર કર્યો પરંતુ તેમનુ અમલીકરણ થવુ ખુબ આવશ્યક છે કારણ કે આવા પરિપત્રો દરવર્ષે થાય છે છતા અનેક શાળાઓ પોતાના સ્કૂલ ડ્રેસને અનુકુળ આવે તેવા નિર્ધારિત સ્વેટર પહેરવા અને કોઇ ચોક્કસ પ્રકારના સ્ટોર કે એજન્સીઓ પરથી જ લેવા સૂચનાઓ આપે છે.અમારી ટીમે ગયા વર્ષે પણ આ બાબતને લઇ લડાઈ કરી હતી અને બાદમા સરકારે બોધ લઇ સમગ્ર રાજ્યની શાળાઓને કડક અમલવારીને લઇ સૂચનાઓ આપી હતી. આ વર્ષે હજુ શિયાળાની શરૂઆત થઈ છે ત્યા આ બાબત પર અમે વાલીઓને જાગૃત કરવા અને વિદ્યાર્થીઓના હિત ઇચ્છી અગાવથી જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોરી ખાનગી શાળાઓની ગરમવસ્ત્રોને લઇ મનમાની બંધ કરાવવા સજાગ થયા છે.આ વર્ષે પણ અમુક નામાંકિત શાળાઓએ નિર્ધારિત સ્વેટર વિદ્યાર્થીઓને પહેરવા સૂચનો આપવા લાગ્યા છે ત્યારે અમારું સ્ટેન્ડ ક્લીઅર છે કે વિદ્યાર્થીઓને કોઈ આ અંગે દબાણ કરશે તો અમે નહીં ચલાવી લઈએ. અમે વિદ્યાર્થીઓને અને વાલીઓને મીડિયાના માધ્યમથી અપીલ કરીયે છે કે શિયાળાની ઋતુમા ગરમવસ્ત્રો તમારી મનપસંદગીના પહેરજો અને જો કોઇ શાળા આ બાબતે દબાણ કરે તો અમને જાણ કરશો અમે વિદ્યાર્થીઓને વ્હારે આવીશુ અને આવી શાળાઓ પર હલ્લાબોલ કરીશુ. તેઓએ રાજકોટના વાલીઓ માટે હેલ્પલાઈન નંબર મો.૭૦૧૬૮૩૭૬૫૨ જાહેર કર્યા હતા અને આવા કિસ્સાઓની ફરિયાદ હોય જણાવવા વાલીઓને અપીલ કરી હતી. ભૂતકાળમા શિયાળાની કડકડતી ઠંડીને લીધે ઠંડીના અપુરતા રક્ષણના કારણે અનેક કિસ્સાઓમા સ્કૂલોના નાના બાળકોને મોત પણ થયા છે ત્યારે સરકારનો આ પરિપત્ર સરાહનીય છે. વધુમા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ કે અમારે ધ્યાને આવ્યુ છે કે શાળાઓ અને સ્વેટર વહેચનારી એજન્સીઓની સાટગાંઠ હોય અને બજારમા રૂ.૩૦૦ મા મળનારુ જેકેટ એજન્સી રૂ.૭૦૦ થી ૧૨૦૦ વિદ્યાર્થીઓને આપે છે જેમા સ્કૂલોનુ મોટુ કમિશન હોય છે અને વધુમા સ્વેટરનુ ક્વોલિટી વિદ્યાર્થીઓને ઠંડીથી પુરતુ રક્ષણ આપનારી નથી હોતી ! સ્કૂલો પોતાના કમિશનના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને ઠંડીમા ઠૂઠરાવે તે અટકાવવુ એ અમારી ફરજ છે. જીલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે પોતાની કક્ષાએથી મીડિયાના માધ્યમથી વાલીઓને અપીલ કરી હેલ્પાઈન નંબર જાહેર કરવા જોઈએ જેથી કોઈ સ્કૂલ આ અંગે મનમાની ના કરી શકે.