પાલિકા ચૂંટણીમાં દરેક મતદાર ચાર-ચાર મત આપશે
જિલ્લાની પાંચેય નગરપાલિકાની મુલાકાત લેતા જિલ્લા કલેકટર
મતદાન મથકમાં પોલીસ પણ મોબાઈલ નહીં લઈ જઈ શકે : ચાંપતો પોલીસ બંદોબસ્ત
આગામી તા.16મી ફેબ્રુઆરીએ યોજનાર રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની છ બેઠકો માટેની પેટા ચૂંટણી અંતર્ગત તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જે અંતર્ગત નગરપાલિકાની ચૂંટણીમાં એક વોર્ડમાં ચાર ઉમેદવારો ઉભા હોય દરેક મતદારોએ ચાર-ચાર મત આપવા પડશે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન મથકમાં પ્રિસાઇડીંગ ઓફિસર સિવાય કોઈને પણ મોબાઈલ ફોન સાથે પ્રવેશવા નહીં આપવામાં આવે જેથી તમામ મતદારોએ મતદાન સમયે મોબાઈલ સાથે ન રાખવા અનુરોધ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ નગરપાલિકાની સામાન્ય અને ચાર તાલુકા પંચાયતની ખાલી પડેલી છ બેઠકો અંગે આગામી તા.16ના રોજ યોજાનાર ચૂંટણી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, શનિવારે જ તમામ મતદાન મથકોનો કબ્જો ચૂંટણી ફરજ પરનો સ્ટાફ લઈ લેશે, રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 4110 કર્મચારીઓ ફાળવવા આવ્યા છે. વધુમાં જિલ્લાની પાંચેય નગરપાલિકાની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત રીતે ગોઠવવામાં આવી હોવાનું અને તમામ મતદાન મથકોએ જીઆરડી, પોલીસ તેમજ ક્રિટિકલ બુથ ઉપર વિશેષ પોલીસ ટીમની સાથે -સાથે તમામ પાલિકામાં મતદાન સમય દરમિયાન સતત પોલીસ પેટ્રોલિંગ ચાલુ રહેશે.
દરમિયાન નગરપાલિકાની ચૂંટણીમાં દરેક વોર્ડમાં ચાર-ચાર ઉમેદવારો હોય મતદારોને પોતાની પસંદગીના ચાર-ચાર ઉમેદવારોને મત આપવા પડશે. વિશેષમાં જિલ્લા કલેકટર જોશીએ ઉમેર્યું હતું કે, નગરપાલિકાની ચૂંટણીમાં પણ જે મતદારો પાસે ચૂંટણી કાર્ડ ન હોય તેવા મતદારો રેશનકાર્ડ, આધારકાર્ડ, કે અન્ય માન્ય કોઈપણ 14 પૈકીના એક પુરાવા સાથે મતદાન કરી શકશે. સાથે જ મતદારોને મતદાન સમયે સાથે મોબાઈલ નહીં લઈ જવા નૂરોધ કરી મતદાન મથકમાં પ્રિસાઇડીંગ ઓફિસર સિવાય પોલીસ પણ મોબાઈલ સાથે નહીં જઈ શકે તેવું સ્પષ્ટ કર્યું હતું.
65થી 70 ટકા મતદાન થવાની શક્યતા : કલેકટર
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જિલ્લાની પાંચેય નગરપાલિકા તેમજ ચાર તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીમાં અંદાજે 65થી 70 ટકા જેટલું મતદાન થવાની આશા વ્યક્ત કરી હતી. જિલ્લા કલેકટરે દરેક પાંચેય નગરપાલિકાની ચૂંટણીમાં સખી મતદાન, દિવ્યાંગ મતદાન કેન્દ્ર પણ રાખવામાં આવ્યા છે સાથે જ સ્થાનિક લેવલની ચૂંટણી હોય મતદારોમાં પણ ઉત્સાહ હોય ઉંચુ મતદાન થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
કઈ નગરપાલિકામાં કેટલા ઈવીએમ ઉપયોગમાં લેવાશે
નગરપાલિકા બેલેટ યુનિટ કોમ્પ્યુટર યુનિટ
જસદણ 110 54
જેતપુર 188 136
ધોરાજી 220 100
ભાયાવદર 60 30
ઉપલેટા 74 65
કુલ 632 385