હરજો-ફરજો: આજથી અટલ સરોવર ખુલ્લું મુકાશે
મોટેરાની એન્ટ્રી-ફી રૂા.૨૫, બાળકની ૧૦: અત્યારે સરોવર, ફાઉન્ટેશન-શોનો જ લાભ મળશે
જોગીંગ ટે્રક, સાઈકલ ટે્રકને પણ ખુલ્લા મુકાશે: આચારસંહિતાને કારણે કોઈ કાર્યક્રમ નહીં યોજાય
વેકેશનના સમયગાળામાં વાલીઓ માટે સૌથી મોટો પ્રશ્ન બાળકને ફરવા ક્યાં લઈ જવું તેનો હોય છે. ખાસ કરીને રાજકોટમાં અત્યારે ફરવા માટે ઘણા બધા સ્થળો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં મહાપાલિકા દ્વારા ૧૩૬ કરોડના ખર્ચે અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. જો કે અટલ સરોવરમાં વિનામૂલ્યે એન્ટ્રી મળશે નહીં. આ માટે તંત્ર દ્વારા મોટેરાની ફી રૂા.૨૫ અને બાળકની ટિકિટનો દર ૧૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. અત્યારે અંદર ગયા બાદ અટલ સરોવર, ફ્ાઉન્ટેશન-શોનો જ લાભ લોકોને મળવા પામશે. આ ઉપરાંત જોગીંગ ટે્રક, સાઈકલ ટે્રકને પણ લોકોના લાભાર્થે ખુલ્લો મુકી દેવામાં આવશે. બીજી બાજુ આચારસંહિતા અમલી હોવાને કારણે કોઈ પ્રકારનો રાજકીય કાર્યક્રમ યોજવામાં આવશે નહીં અને સાદગીપૂર્વક જ સરોવરને ખુલ્લું મુકી દેવાશે.
અટલ સરોવરને લઈને અનેક પ્રશ્નો અણઉત્તર !
આજથી અટલ સરોવરને ખુલ્લું મુકવામાં આવનાર છે ત્યારે તે પ્રોજેક્ટનો હવાલો સંભાળતાં વાય.કે.ગોસ્વામીનો લોકોને આજથી શું શું સુવિધા મળશે તેને લઈને સંપર્ક કરવામાં આવતાં ઘણા બધા પ્રશ્નો અણઉત્તર જ રહ્યા હતા જે અત્રે પ્રસ્તુત છે.
અટલ સરોવરનો ખુલવાનો-બંધ થવાનો સમય શું ? એ હજુ નક્કી નથી
ફેરિસ વ્હીલ, ટોય ટે્રન સહિતની રાઈડસ ક્યારથી શરૂ થશે ? હજુ નક્કી નથી
ફૂડ કોર્ટ શરૂ થઈ જશે ના, તેને હજુ સમય લાગશે
ફાઉન્ટેન શોનો સમય શું ? એ હજુ નક્કી નથી કરાયું
ત્યાં સુધી પહોંચવા માટે બસની વ્યવસ્થા ? હજુ નથી કરાઈ, હવે કરાશે
અંદર પીવાના પાણીની વ્યવસ્થા છે ? હા એ કરાઈ છે
કોઈ પ્રકારનો વાહન પાર્કિંગ ચાર્જ લેવાશે ? હજુ નક્કી નથી કરાયું
દુબઈ કરતા પણ વધુ ઉંચો ફાઉન્ટેન-શો અટલ સરોવર ખાતે યોજાશે: જયમીન ઠાકર
દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે અટલ સરોવરનું મુખ્ય આકર્ષણ ફાઉન્ટેન-શો છે મતલબ કે ફૂવારાનો શો છે. આ શો દુબઈમાં પણ યોજાય છે જ્યાં ૬૦થી ૭૦ ફૂટ જેટલો જ ફૂવારો ઉંચે ઉડે છે જેની સામે અટલ સરોવર ખાતેનો ફૂવારો ૯૦ ફૂટ સુધી ઉંચે ઉડશે !