હાઈ-વે પર ખૂંટિયાને કારણે ૩ યુવાનોનો જીવનદીપ બુઝાયો
મોરબી નેશનલ હાઈ-વે પર ખૂટીયો આડો ઉતરતાં જ ચાલકે કાબૂ ગુમાવ્યો’ને ડમ્પર કાળ બનીને કાર ઉપર ત્રાટક્યું
મકનસર-રફાળેશ્વર વચ્ચે સવારે ૮ વાગ્યે મોતની ચીચીયારીઓ ગુંજી: કારના ચાલકનું મોત, પત્ની-૯ મહિનાની બાળકીને રાજકોટ
ખસેડાયા: ડમ્પરના ચાલક-ક્લિનરનું મોત: હાઈ-વે પર રખડતાં ઢોરને કારણે તંત્ર હજુ કેટલા અકસ્માતની રાહ જોશે ? ભારે રોષ
હાઈ-વે ઉપર ઢોરના અડ્ડા અથવા તો એમ કહીએ કે જ્યાંથી ટ્રક, બસ, ટેમ્પો, કાર, બાઈક સહિતના વાહનો પસાર થાય છે ત્યાં રીતસરની ઢોરની ગમાણ શરૂ થઈ ગઈ હોય તેવી રીતે લગભગ દરેક હાઈ-વે ઉપર ઢોર બેઠેલા જોવા મળતાં જ હોય છે. તંત્ર દ્વારા આ દિશામાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાને કારણે એક બાદ એક અકસ્માત થઈ રહ્યા છે અને લોકો મૃત્યુને ભેટી રહ્યા છે. આવો જ એક ગમખ્યાર અકસ્માત ખૂટિયાને કારણે સર્જાયો છે જેના કારણે ત્રણ યુવાનોના જીવનદીપ બૂઝાઈ જતાં પરિવારમાં કરુણ કલ્પાંત વ્યાપી જવા પામ્યો છે.
મોરબી-વાંકાનેર નેશનલ હાઈ-વે ઉપર રવિવારે સવારે આઠેક વાગ્યાના અરસામાં મકનસર અને રફાળેશ્વર વચ્ચે એક ખૂટિયો આડો ઉતરતાં જ ડમ્પર લઈને જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો જેના કારણે ડમ્પર ડિવાઈડર કૂદાવી ગયું હતું અને સીધું સામેથી આવતી અર્ટિગા કાર ઉપર જઈને પડતાં કારમાં બેઠેલા મોરબીના યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું સાથે સાથે ડમ્પરના ચાલક અને ક્લિનરનું પ્રાણપંખેરું પણ ઉડી જવા પામ્યું હતું. મોરબીની ઉમા ટાઉનશિપમાં રહેતા તુષાર બાબુભાઈ માલવિયા તેમના પત્ની સુવિધાબેન માલવિયા (ઉ.વ.૨૪) અને નવ મહિનાની પુત્રી દ્વિજા સાથે સુરત પાંચમના પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ વેળાએ મોરબી-વાંકાનેર નેશનલ હાઈ-વે ઉપર પહોંચ્યા ત્યારે રફાળેશ્વર-મકનસર વચ્ચે ડમ્પર આડે ખૂટિયો ઉતરતા ખૂટિયાને બચાવવા જતાં ડમ્પરના ચાલક મહેશ અમરશીભાઈ સીંગારે કાબૂ ગુમાવી દેતાં ડમ્પર ડિવાઈડર કૂદાવી ગયું હતું અને સીધું તુષાર માલવિયાના અર્ટિગા કાર ઉપર ખાબકતાં કારનો બૂકડો બોલી જવા પામ્યો હતો. આ અકસ્માતને કારણે તુષાર માલવિયા, ડમ્પર ચાલક મહેશ અને ડમ્પરના ક્લિયર વરુણ ઉર્ફે ગુડ્ડુ તોલસિંહ વાસ્કેલ (રહે.જાબવા-મધ્યપ્રદેશ)નું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
જ્યારે તુષાર માલવિયાના પત્ની સુવિધા અને પુત્રી દ્વિજાને ઈજાઓ પહોંચતાં બન્નેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
ગાંધીનગરના મહુડી રોડ પર બેકાબૂ મર્સિડીઝે બે મહિલાને કચડી નાખી, બે ઘાયલ
ગાંધીનગરના મહુડી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. પૂરપાટ ઝડપે દોડી રહેલી મર્સિડીઝે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે મહિલાને કચડી નાખ્યા હતા જ્યારે બાઈક ચાલક સહિત બેને હડફેટે લેતાં બે મહિલાના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે બે ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને કારનો ચાલક ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.