સિવિલમાં વધુ એક દર્દીને રઝળતા મૂકી દેતા તબીબો !
અવધના ઢાળીયા પાસેથી ઘાયલ મળી આવેલા યુવાનને 108 ની ટીમ સિવિલમાં લાવતાં દાખલ કરાયો : દર્દી સવારે ઠુંઠવાતી હાલતમાં રસોડાની લોબીમાંથી મળી આવ્યો : તબીબી અધિક્ષક દ્વારા સીસીટીવી આધારે તપાસ કરી કાર્યવાહી કરાશે
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના તબિબ અને સ્ટાફ દ્વારા માનવતાને નેવે મુકી દર્દીઓને રઝળતા મૂકી દીધાની અનેક ઘટના સામે આવતો હોય છે.અગાઉ તબિબોએ એક વૃદ્ધ અશક્ત બિમાર દર્દીન સ્ટ્રેચરમાં નાખી પોસ્ટમોર્ટમ રૂમ પાસે રઝળતા મુકી દીધા હતા. એ ઘટનામાં કમિટીએ તપાસ કર્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરી હતી. દરમિયાન તેવી જ એક શંકાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં 35 વર્ષનો યુવાન કે જેના પગમાં ફેકચર જેવી ઈજા સાથે સર્જરી વોર્ડમાં દાખલ કરાયો હતો.અને બાદમાં આ દર્દી રાતે વોર્ડમાંથી નાશી ગયાની પોલીસ ચોકીના ચોપડે નોંધ કરાવાઇ હતી. બીજી તરફ તે જ દર્દી માત્ર ચડ્ડી પહેરલી હાલતમાં એમ્બ્યુલનસ રૂમ નજીક આવેલા રસોડાની લોબીમાં ઠુંઠવાતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
માહિતી મુજબ એક વ્યકિત કે જેણે શરીરે કપડાના નામે માત્ર ચડ્ડી પહેરી છે તે એમ્બ્યુલન્સ રૂમ નજીક લોબીમા કણસે છે અને ધ્રુજે છે તેવી જાણ થતા હેલ્પડેસ્કનો સ્ટાફ ત્યા દોડી ગયો હતો.અને દર્દીનું નામ પૂછતાં તેને મનોજ ઉઘાવ જણાવ્યું હતું અને ઉમર 35 કહી હતી. જેથી હેલ્પડેસ્કના સ્ટાફે મેડિકલ ઓફિસરને જાણ કરી દર્દીને ઇમર્જન્સી વોર્ડમાં લઈ જઈ દાખલ કર્યો હતો.
તપાસમાં માલૂમ પડ્યું હતું કે,19/11ના રોજ આ દર્દીને સર્જીકલ વિભાગમાં દાખલ કરાયો હતો.અને તેના પગમાં ફેકચર છે તેમજ તે ચાલી શકે તેવી સ્થિતિમાં નથી.બીજા દિવસ આજે આ દર્દી એમ્બ્યુલન્સ વોર્ડ નજીક રસોડાની લોબી પાસેથી મળી આવતા હેલ્પડેસ્કનો સ્ટાફ પણ ચોકી ગયો હતો. હિસ્ટ્રી ચેક કરતા આ દર્દીને મંગળવારના કાલાવડ રોડ અવધના ઢાળીયા પાસે ઇજાગ્રસ્ત પડેલ હોવાની જાણ થતા ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સર્જરી-૨ વોર્ડમાં દાખલ કરવામાં આવેલ ત્યારે તેનું નામ મનોજભાઈ (ઉં.વ.35) લખાવયું હતું.જેથી આ દર્દીનો પગ ભાંગી ગયો હોય અને ચાલી શકે તેમ ન હોય તો તે સર્જરી વોર્ડમાંથી રસોડાની લોબી સુધી કેવી રીતે પહોંચી શકે.તેથી આ ઘટનામાં કોઈ તબીબ કે સ્ટાફ દ્વારા બેદરકારી દાખવ દર્દીને રઝળતો મૂકી દેવામાં આવ્યો છે કે કેમ? તેની ચકાસણી તબીબી અધિક્ષક દ્વારા સીસીટીવી આધારે કરવામાં આવવાની છે.