સિવિલ હોસ્પિટલમાં દર્દીને દાખલ ન કરી રઝળાવનાર તબીબ છ માસ માટે સસ્પેન્ડ
ગોંડલના વાસાવડના યુવકને સારવાર માટે દાખલ ન કરી તગેડી મુકતા યુવકે પાર્કિંગમાં રાત વિતાવતા તેનો જીવ ગયો હતો : રસોડા પાસેથી અર્ધ નગ્ન હાલતમાં મળી આવેલા દર્દી મામલે પણ કડક કાર્યવાહી થવાના એંધાણ
રાજકોટની સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઇને કોઇ કારણોસર ચર્ચાના ચકડોળે ચડે છે.અને દર્દીઓ સાથેની તબિબો સહિતના સ્ટાફની બેદર્દી સામે આવતી રહે છે. દરમિયાન ગોંડલના વાસાવડના યુવકને સારવાર માટે દાખલ ન કરી તગેડી મુકતા યુવકે પાર્કિંગમાં રાત વિતાવી હતી અને સવારે સારવારના અભાવે મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે તપાસ કમિટીની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં જવાબદાર રેસિડેન્ટ તબીબ પાર્થ ચુડાસમાને છ મહિના સુધી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.
વિગત મુજબ ગત તા.૧૮-૧૦-૨૪ના રોજ ગોડલના વાસાવડ ગામે રહેતા સતીષ બાબુભાઇ (ઉં.વ.૩૧)નામના યુવકને નશાની ટેવ હોવાથી તબિયત લથડતા તેનો મિત્ર રાત્રીના સમયે ૧૦૮ દ્વારા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવ્યો હતો. અહિ યુવકને ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વધુ સારવાર માટે દાખલ કરવાની જરૂર લાગતા વોર્ડ નં-૧૦માં લઈ જવા માટે કહેતાં મિત્ર તેને વોર્ડ ન-૧૦માં લઇ ગયેલ અને દાખલ કરવાનો કેસ આપ્યો હતો. પરંતુ ફરજ પરના ડો. પાર્થ ચુડાસમાએ તેને દાખલ ન કરી બહાર મોકલી દેતાં દર્દીને રાત પાર્કિંગમાં વિતાવી પડી હતી.અને તેનું મોત નીપજ્યું હતું.આ મામલે મેડિકલ ઓફિસરે સાથે રહેલા મિત્રને પૂછયું હતું કે, રાત્રે તમને દાખલ થવા મોકલ્યા હતા તો પાર્કિંગમાં કેવી રીતે પહોંચ્યા? જેના જવાબમાં ઉપર વોર્ડમાં ગયા ત્યાં ડોકટરે નીચે જતું રહેવાનું કહી દેતા અમે નીચે આવી ગયા હતા.
આથી મેડિકલ ઓફિસરે વોર્ડ નં-૧૦ના રેસિડેન્ટ ડોક્ટરને બોલાવી તમે કેમ પેશન્ટને દાખલ કરતા નથી આ ડીસી થયું છે કહેતા જ રેસિડેન્ટ ડો. પાર્થ ચુડાસમા ફફડી ગયેલ અને તાકીદે પોતે કેસબારીએ જઈ દાખલ ફાઈલ કઢાવી મેડિકલ હિસ્ટ્રી ઉભી કરી હોવાનું તપાસ કમિટીમાં ખૂલતાં તેઓના રિપોર્ટ આધારે મેડિકલ કોલેજ કાઉન્સિલની બેઠકમાં ડિસ્પિલીન એક્શન હેઠળ ડો. પાર્થ ચુડાસમા સામે આકરા પગલા લઇ તેને છ માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.જ્યારે રસોડા પાસેથી અર્ધ નગ્ન હાલતમાં મળી આવેલા દર્દી મામલે પણ કડક કાર્યવાહી થવાના એંધાણ હોવાનું જાણવા મળ્યું છે.