આચારસંહિતાનો કડક અમલ કરવા તમામ અધિકારીઓને જિલ્લા કલેકટરની તાકીદ
બેનર – પોસ્ટર- હોર્ડિંગ્સ દૂર કરવાની સાથે ફ્લાઈંગ સ્કવોડની ટીમોને મોરચો સાંભળવા સૂચના : પી.પી.ટી.નાં માધ્યમથી આચારસંહિતાની સમજૂતી અપાઈ
રાજકોટ : રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં ચુંટણી સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં રાજકોટ જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ યોજાય, તે માટે આ બેઠકમાં આદર્શ આચારસંહિતા અંગે ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું.
આચારસંહિતા અમલ અંગે મળેલી બેઠકમાં મતદાન કેન્દ્રો, સભા-સરઘસ બંધી, ડેટા એન્ટ્રી, ડોક્યુમેન્ટેશન, તાલીમ, મતદાન પહેલાની કામગીરી, મતદાન દિવસની કામગીરી, મતદાન મથકની રચના, ઉમેદવારોના ખર્ચના હિસાબો, નિરીક્ષકોની કામગીરી, પોસ્ટલ બેલેટ કામગીરી, ચૂંટણી પ્રચાર, સરકારી વાહનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ, મતદાર જાગૃતિ, ફરિયાદોના સ્ત્રોત, ઉમેદવારોના પ્રચાર ખર્ચ પર દેખરેખ, આદર્શ આચાર સંહિતાનાં અમલીકરણ, બેનર – પોસ્ટર- હોર્ડિંગ્સ દૂર કરવા, ફ્લાઈંગ સ્કવોડની કામગીરી, ફરિયાદોના નિરાકરણ સહિતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, જિલ્લા કલેકટર જોશીએ કમિશનરેટ, નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તાર તેમજ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે પર નિયત સમય મર્યાદામાં સરકારી અને રાજકીય બેનરો, હોર્ડિંગ્સ દૂર કરવા સૂચના આપી હતી. ખાસ કરીને અધિકારીઓ-કર્મચારીઓની રજા બાબતે નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, મતદાન જાગૃતિ, વધુને વધુ મતદાન માટે જાગૃતિ કાર્યક્રમો, મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવી વગેરે વિશે સુચના આપી હતી.અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીઓ સંદર્ભે નોડલ અધિકારીઓ સાથે પ્રશ્નોત્તરી કરી જરૂરી માર્ગદર્શન આપી અત્યાર સુધીની ચૂંટણી અનુલક્ષીને થયેલી કામગીરી વિષે નોડલ અધિકારીઓ પાસેથી માહિતી મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, આસી. કલેકટર નિશા ચૌધરી, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, રિજિયોનલ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિક કલેકટર ઇલાબેન ચૌહાણ, પ્રાન્ત અધિકારી જે. એન. લીખીયા, ગ્રીષ્માબેન રાઠવા, રાહુલ ગમારા, ચાંદની પરમાર, સમાજ કલ્યાણ અધિકારી આનંદબા ખાચર, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.