ડીપાશા મહિડા: MRSથી શરૂ થયેલી સફર MRS INDIA QUEEN સુધી પહોંચી
મોડેલિંગમાં હાથ અજમાવ્યો’ને અથાગ મહેનત થકી મળી સફળતા
પતિની સફળતા પાછળ પત્નીનો હાથ હોય છે તેમ જ ડીપાશાની સફળતા પાછળ પતિ સાહિલની પણ એટલી જ મહેનત
દિલ્હીના નોઈડામાં આયોજિત મીસ ઈન્ડિયા ક્વિન' સ્પર્ધામાં ડીપાશાએ વગાડ્યો ડંકો
એક મહિલાને માત્ર રસોઈ બનાવવા, પતિ-બાળકોની સાર-સંભાળ રાખવા અને ઘર સંભાળવા પૂરતી જ મર્યાદિત ગણવામાં આવતી હતી એ દિવસો બહુ એટલે બહુ જ જૂના થઈ ગયા છે. હવે તો મહિલા પુરુષ સમોવડી અને કદાચ પુરુષ કરતાં પણ વધુ સફળતા હાંસલ કરીને નામ રોશન કરી રહી છે. આવી જ સફળતા એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી ડીપાશા મહિડાએ મેળવી છે. વળી, આ સફળતા તેણે પરણ્યા બાદ મેળવી હોવાથી તેની કિંમત વધી જાય છે.
સામાન્ય રીતે કોઈ મહિલા પરણ્યા પહેલાં સફળ થવા માટે વધુ મહેનત કરતી હોય છે પરંતુ ડીપાશા બાબતે એવું નથી. પતિની સફળતા પાછળ પત્નીનો વધુ હાથ હોય છે તેમ જ ડીપાશાની સક્સેસ પાછળ તેના પતિ સાહિલની પણ એટલી જ મહેનત રહેવા પામી છે. એકંદરે ડીપાશાએ
મિસ’થી શરૂ કરેલી સફર મિસ ઈન્ડિયા ક્વિન' સુધી પહોંચી ગઈ છે અને હજુ તે ઘણું જ આગળ જવા માટે પ્રયાસ કરી રહી છે.
વોઈસ ઓફ ડે’ વિમેન્સ સ્પેશ્યલ'માં આ વખતે એક એવી મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે મોડેલિંગનો શોખ પૂર્ણ કરવા માટે સર્વસ્વ જોર લગાવી દીધું છે.
ડીપાશાને શરૂઆતથી જ મોડેલિંગનો શોખ હતો પરંતુ તેના પિતા તેના આ શોખથી વિરુદ્ધ હતા અને માતા આ બાબતનો ન તો સ્વીકાર કરતા કે ન તો ઈનકાર કરતા...! વિપરિત પરિસ્થિતિ વચ્ચે ડીપાશાએ પ્રયત્નો ચાલું રાખ્યા હતા. આ પછી ૨૦૧૨માં મુળ માંગરોળના અને હાલ રાજકોટની બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતાં સાહિલ મહિડા સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી લગભગ દરેક પત્ની પતિ સાથે રહીને ઘર ચલાવે તેવી જ ઈચ્છા પતિની હોય છે પરંતુ સાહિલ મહિડા કંઈક અલગ હોય તેમ તેણે પત્નીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પ્રાધાન્ય આપ્યું હતું.
સાત મહિના પહેલાં અમદાવાદ ખાતે એક ઓડિશન લેવાયું હતું જે
મિસ ઈન્ડિયા ક્વિન’ માટે હતું. અહીં ડીપાશાની પસંદગી થયા બાદ તેણે દિલ્હીના નોઈડા જવાનું થયું હતું જ્યાં ત્રણ દિવસ સુધી રેમ્પ વોક, ઈન્ટ્રોડક્શન રાઉન્ડ સહિતની સ્પર્ધામાંથી પસાર થયા બાદ આખરે આ સ્પર્ધા માટે તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી. એવું નથી કે ડીપાશાએ પહેલી વખત જ પ્રયત્ન કર્યો અને સફળતા મેળવી લીધી. અગાઉ પણ તેણે આ રીતે પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યારે તે વિજેતા બનવાની જગ્યાએ રનર્સ અપ રહી હતી. આ પછી તેણે હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલું રાખ્યા હતા અને આખરે મીસ ઈન્ડિયા ક્વિનનો તાજ પોતાના માથા પર પહેરીને સંતોષ માન્યો હતો. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી ૪ પરિણીતાએ ભાગ લીધો હતો પરંતુ બોડી ફિટનેસ, ફેશન ડિઝાઈનિંગ, રેમ્પ વોક, ટેલેન્ટ રાઉન્ડ સહિતમાં ડીપાશાએ બાજી મારી જીત હાંસલ કરી હતી.
ડીપાશાને બોલિવૂડની ફિલ્મ મળી, ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે
ડીપાશા મહિડાની જાણે કે સફળતા રાહ જોઈ રહી હોય તેમ મીસ ઈન્ડિયા ક્વિન બન્યા બાદ તેને બોલિવૂડની એક ફિલ્મ પણ મળી ગઈ છે અને ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ થવાનું છે. આ ફિલ્મ મુંબઈના ઝુપડપટ્ટી વિસ્તાર પર આધારિત છે. આ માટેનું ઓડિશન થઈ ચૂક્યું છે જેમાં ડીપાશા પસંદગી પામી ગયા છે. આ ઉપરાંત ડીપાશાને એક શેમ્પુ કંપનીની પણ એડ મળેલી છે જેનું શૂટિંગ પણ થવા જઈ રહ્યું છે.
…ને સાઉથની ફિલ્મ મળી પણ `ના’ કહેવી પડી
ડીપાશા સાહિલ મહિડા જણાવે છે કે થોડા વર્ષ અગાઉ તેને સાઉથ ફિલ્મની ઓફર મળી હતી પરંતુ એ સમયે તે પ્રેગ્નેન્ટ હોવાને કારણે ભારે હૃદયે ઈનકાર કરવો પડ્યો હતો. આ ઈનકાર પછી અફસોસ પણ થયો હતો પરંતુ ડીપાશાએ હાર માન્યા વગર પ્રયત્ન ચાલું રાખ્યા અને આખરે બોલિવૂડની ફિલ્મ ઉપરાંત એડ પણ મેળવી છે.
કાલાવડ રોડ પર પોતાનું વિશાળ પોસ્ટર લાગે તે સ્વપ્ન…
ડિપાશા જણાવે છે મેં ભલે સફળતા હાંસલ કરી લીધી હોય પણ મારા માટે તે પૂરતી નથી. મારું સ્વપ્ન ત્યારે જ પૂરું થશે જ્યારે કાલાવડ રોડ કે જે શહેરનો અત્યંત પોશ વિસ્તાર છે અને મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે તેનું વિશાળ પોસ્ટર લાગે ત્યારે જ હું સફળ થઈ ગણાઈશ.
મોડેલિંગ સાથે જ ૮ વર્ષની બાળકીની પણ બખૂબી સંભાળ
ડીપાશા મોડેલિંગ કરવાની સાથે જ પોતાની ૮ વર્ષની બાળકીની બખૂબી સંભાળ રાખી રહી છે. આ જ રીતે પરિવારને પણ પૂરો સમય આપી રહી છે. જો કે જેમ જેમ તે આગળ વધતી જશે તેમ તેમ સમય ઘટતો જશે તે પણ સ્વાભાવિક છે.