શ્રદ્ધાળુઓ કુંભમેળા ભણી, દ્વારકા – સોમનાથ ખાલી-ખાલી
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામમાં ઉડે-ઉડે જેવી સ્થિતિ
પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ચાલુ મહિનામાં 4 લાખ જેટલા ભાવિકો આવ્યા : દ્વારકામાં 4.14 લાખ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક આયોજનમાં ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીના સંગમ સ્થાને 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આસ્થાભેર ઉમટી રહ્યા છે ત્યારે મહાકુંભ મેળાની અસરતળે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઓટ આવી હોવાનું સામે આવ્યું છે. ચાલુ મહિનામાં સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે 4 લાખ જેટલા તો દ્વારિકામાં 14 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધીમાં 4.14 લાખ શ્રદ્ધાળુઓ જ દર્શનાર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે ઉપરોક્ત બન્ને મંદિરોમાં દરરોજ લાખોની સંખ્યમાં શ્રદ્ધાળુ આવતા હોય છે જે સંખ્યા આજે ઘટીને સરેરાશ 20 હજારની અંદર રહેતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિરે સામાન્ય દિવસોમાં દૈનિક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવતા હોય છે પરંતુ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહા કુંભમેળો શરૂ થતા જ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં મકરસંક્રાંતિએ 1,15, 050 શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા બાદ 15મીએ દર્શનાર્થીઓની સંખ્યા ઘટીને 49,150 તેમજ તા.16મીએ તો 16500 દર્શનાર્થીઓ જ જગતમંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા.
બીજી તરફ મહાકુંભમાં દિવસેને દિવસે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે, બુધવારે મૌની અમાવાસ્યા અવસરે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ભાગદોડ મચી ગઈ હતી સરકારના અંદાજ મુજબ 45 દિવસ ચાલનારા મહાકુંભમાં આ વર્ષે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આવશે તેવો અંદાજ સેવવામાં આવ્યો છે.હાલમાં ગુજરાતથી પણ મોટી સંખ્યામાં મહાકુંભમેળામાં જઈ રહ્યા છે ત્યારે સ્થાનિકે રાજ્યમાં આવેલ તમામ સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં યાત્રાળુ ઘટયા હોવાનું સામે આવ્યું છે.
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરના સૂત્રોના મટે જાન્યુઆરી માસમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો છે. ચાલુ માસમાં સોમનાથ મહાદેવ મંદિરમાં અંદાજે 4થી સાડાચાર લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તે જોતા દૈનિક સરેરાશ 15 હજાર જેટલા જ યાત્રાળુઓ અહીં આવી રહ્યા છે. એ જ રીતે સૌરાષ્ટ્રના અન્ય મંદિર જોવામાં આવે તો ચોટીલા ચામુંડા માતાજી, કાગવડ ખોડલધામ સહિતના યાત્રાસ્થળ તેમજ સુપ્રસિદ્ધ અંબાજીમાં પણ મહાકુંભની અસરતળે શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી હોવાનું જાણવા મળે છે.
માટેલ ખોડિયાર માતાજીના મંદિરે ભક્તોનો અવિરત પ્રવાહ
મહાકુંભને કારણે સૌરાષ્ટ્રના અન્ય મંદિરોમાં ભાવિકજનોનો પ્રવાહ ઘટેલો જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરના પૂજારી ચેતનભાઈનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, માટેલ ખાતે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ છે, સામાન્ય રીતે લગ્નસરાની સીઝનમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં થોડો ફેરફાર જરૂર થતો હોય છે પરંતુ આગામી તા.5મીએ ખોડિયાર માતાજીનો પ્રાગ્યટ્ય દિવસ આવતો હોય મંદિરમાં ભક્તોની સંખ્યમાં વધારો થશે તેમ ઉમેર્યું હતું.
દ્વારકાધીશ મંદિરમાં 14થી 27 જાન્યુઆરીએ દર્શનાર્થે આવેલ શ્રદ્ધાળુઓ
તારીખ શ્રદ્ધાળુઓની સંખ્યા
14 -1 – 1,15,050
15- 1 – 49,150
16 -1 – 16,500
17 -1 – 20,500
18 -1 – 18,500
19 -1 – 23,950
20 -1 – 19,000
21 -1 – 18,400
22 -1 – 16,000
23 -1 – 18,500
24 -1 – 17,500
25 -1 – 22,000
26 -1 – 22,500
27 -1 – 17,500
28 – 1 – 17,500