રાજકોટના બિલ્ડર સ્મિત કનેરિયાની અટકાયત
સહારા ઇન્ડિયાની ૧૪૬ એકર જમીનના વિવાદમાં
ન્યૂઝીલેન્ડથી આવેલા સ્મિત કનેરિયાની મુબઈ એરપોર્ટ ઉપરથી અટકાયત કરી પાસપોર્ટ જપ્ત કર્યો
સીઆઇડી ક્રાઇમે જાહેર કરેલા લૂકઆઉટ સર્ક્યુલરને આધારે મુબઈ પોલીસની કાર્યવાહી
રાજકોટના ઉદ્યોગજગતને ખળભળાવી નાખતી એક ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર તેમજ સરકારી કોન્ટ્રાક્ટર સ્મિત કનેરીયા (ક્લાસીક ક્નસ્ટ્રક્શન) સામે જામનગરના ધુંવાવ ગામે આવેલી ૧૪૬ એકર જેટલી જમીનના દસ્તાવેજમાં ગોટાળો કરવા બદલ ફરિયાદ નોંધાયા બાદ વિદેશથી પરત ફરતી વખતે મુંબઈ એરપોર્ટ પર તેમની અટકાયત કરવામાં આવતાં સનસનાટી મચી જવા પામી છે. અગાઉ આ કાંડમાં કનેરીયા સામે ફરિયાદ નોંધાયા બાદ સીઆઈડી ક્રાઈમ દ્વારા તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી જેના આધારે જ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે સ્મિત કનેરીયાને સીઆઈડી ક્રાઈમ-ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જામનગરના ધૂંવાવ ખાતે આવેલી સહારા ઇન્ડિયાની અદાજીત ૧૪૬.૨૧૫ એકર જમીનના વેચાણ વ્યવહાર કરવા માટે રાજકોટની દેવ ઈન્ફ્રા ભાગીદારી પેઢીના ભાગીદાર સ્મીત પરષોતમ કનેરીયા વચ્ચે કરાર થયા હતા. દેવ ઈન્ફ્રા ભાગીદારી પેઢીના ભાગીદાર તરીકે સ્મીત કનેરીયાએ કરોડો રૂપિયાની જમીન હડપ કરવા અને કરોડો રૂપિયાનો આર્થિક લાભ લેવા મેળવવા માટે સહારા ઈન્ડિયા લીમીટેડ સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરવાના ઈરાદે નોટરી લખાણના બે પાના બદલી તેમા પેનથી ખોટુ અને બોગસ લખાણ કરી બોગસ કરાર ઉભો કર્યો હતો. ડોક્યુમેન્ટ ખોટા હોવાનુ જાણવા છતા સ્મીત કનેરીયાએ ગુજરાત હાઈકોર્ટ અને જામનગર સિવિલ કોર્ટમા રજૂ કરી વિશ્વાસઘાત અને છેતરપિડી આચરી હતી. સહારા ઈન્ડિયા કોર્મશીયલ કોર્પોરેશન લીમીટેડ વતી નિમાયેલા ઓથોરાઈઝડ મયંક કાંતિલાલ શાહએ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરતા પોલીસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા અર્પણ કોમ્પ્લેક્ષમાં રહેતા સ્મીત કનેરીયા વિરૂદ્ધ ૧૫ દિવસ અગાઉ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
શું છે આખો વિવાદ
જામનગરના ધૂંવાવમાં આવેલી સહારા ઈન્ડિયાની કરોડો રૂપિયાની જમીન મામલે હાઈકોર્ટ અને જામનગર સિવિલ કોર્ટમા દાવા ચાલી રહ્યા છે. હાઈકોર્ટમા ચાલી રહેલી મેટરમાં દેવ ઈન્ફ્રાના ભાગીદાર સ્મીત પરષોતમભાઈ કનેરીયાએ પક્ષકાર તરીકે જોડાવા માટે ૨૦૨૩મા અરજી કરી અને તેની નકલ ફરિયાદી મયંક શાહને આપી હતી. સ્મીત કનેરીયાએ તા.૨૦-૧-૨૦૨૧ના રોજ થયેલા કરારની નકલ હાઈકોર્ટમા રજૂ કરી હતી. તે નકલની સર્ટીફાઈડ કોપી ફરિયાદી મયંક શાહે કઢાવી હતી. ફરિયાદી પાસે અગાઉ થયેલા અસલ નોટરી કરારની નકલ હતી. આ બને ચેક કરતા ફરિયાદીના ધ્યાને આવ્યુ કે, સ્મીત કનેરીયાએ રજૂ કરેલ નોટરી કરાર અને અસલ નોટરી કરાર અલગ અલગ છે. અસલ કરારમાં અવેજની રકમ ૨૫ કરોડ અને બાકી રૂ.૨૨.૧૫ કરોડ ટાઈપ કરવામા આવેલ જ્યારે સ્મીત કનેરીયાએ રજૂ કરેલ બોગસ નોટરી કરારમાં અવેજની રકમ હાથથી ૩૧.૫૦ કરોડ અને બાકી રકમ ૨૮.૪૫ કરોડ લખી ખોટુ લખાણ લખી કપનીના અસલ કરારમાં પેનથી ખોટુ લખાણ લખી ખોટો નોટરી કરાર ઉભો કર્યો હતો. ફરિયાદીએ નોંધ્યું હતુ કે સ્મિત કનેરિયા દ્વારા રજૂ કરાયેલ નોટરીયલ એગ્રીમેન્ટ અને મૂળ નોટરીયલ એગ્રીમેન્ટ અલગ-અલગ હતા. સ્મિત કનેરિયા સીઆઈડી ક્રાઈમ સમક્ષ હજાર થતા નહોતા એટલે સીઆઇડી ક્રાઇમે દેશના તમામ એરપોર્ટ પર લૂકઆઉટ સર્ક્યુલર મોકલ્યો હતો. સ્મિત કનેરિયા પોતાના બે પાર્ટનર સાથે ન્યુઝિલેન્ડ ફરવા ગયા બાદ સોમવારે મુબઈ એરપોર્ટ પર ઉતર્યા કે તરત તેની લૂકઆઉટ સર્ક્યુલર હેઠળ અટકાયત કરી ક્લાસિકવાળા સ્મિત કનેરિયાનો પાસપોર્ટ પણ જપ્ત કરવામા આવ્યો હતો અને સીઆઇડી ક્રાઇમણે જાણ કરવામા આવતા સ્મિત કનેરિયાની ધરપકડ કરવામા આવી છે.