ગત વર્ષ કરતા આ નવરાત્રિએ ૭૬૩ વાહન વધુ છૂટ્યા છતાં ટેક્સની આવકમાં ઘટાડો
૨૦૨૩ની નવરાત્રિમાં ૨૨૦૩ વાહનની થઈ’તી ખરીદી, આ વર્ષે ૨૯૬૬ વાહન લેવાયા
સીએનજી-પેટ્રોલ કારનું વેચાણ લગોલગ: ગત વર્ષ કરતાં આ વર્ષે ટુ-વ્હીલર વધુ ખરીદાયા
નવરાત્રિ-દશેરાનો તહેવાર પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે લોકો દિવાળીની તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે ત્યારે ગત વર્ષની જેમ જ આ વર્ષની નવરાત્રિ દરમિયાન ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની ખરીદીમાં `કરંટ’ જોવા મળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ગત વર્ષની નવરાત્રિની તુલનાએ આ વર્ષે ૭૬૩ વાહન વધુ છૂટ્યા હોવા છતાં મહાપાલિકાને થનારી ટેક્સની આવકમાં ઘટાડો નોંધાયો છે !
આ વર્ષની વાત કરવામાં આવે તો ૨૪૬૧ ટુ-વ્હીલર (પેટ્રોલ) ઉપરાંત ૧૩૩ ફોર-વ્હીલર (સીએનજી), ૧૪૧ ફોર-વ્હીલર (પેટ્રોલ) સહિત કુલ ૨૯૬૬ વાહનોનું વેચાણ થયું છે જેની કિંમત ૫૮ કરોડ ૭૮ લાખ, ૧૩ હજાર ૧૩૦.૩૩ રૂપિયા જેટલી થવા જાય છે. આ પેટે મહાપાલિકાને વ્હીકલ ટેક્સ પેટે ૧ કરોડ ૧૬ લાખ ૮ હજાર ૯૮ રૂપિયાની આવક થઈ છે.
ગત વર્ષની તુલના કરવામાં આવે તો ત્યારે ૧૬૮૫ ટુ-વ્હીલર (પેટ્રોલ) ઉપરાંત ૧૩૩ ફોર-વ્હીલર (સીએનજી), ૧૯૪ ફોર-વ્હીલર (પેટ્રોલ) સહિત કુલ ૨૨૦૩ વાહનોનું વેચાણ થયું હતું જેની કિંમત ૬૧ કરોડ, ૯ લાખ, ૫૫ હજાર, ૦૨ રૂપિયા થવા જાય છે. આ પેટે મહાપાલિકાને ૧ કરોડ ૩૪ લાખ ૩૭ હજાર ૧૧૬ રૂપિયાની ટેક્સ આવપ થવા પામી હતી.
બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ મહદ અંશે એક સમાન થઈ જવાને કારણે લોકો હવે સીએનજી કાર તરફ વળ્યા હોવાથી આ વર્ષે ૧૩૩ સીએનજી કાર વેચાઈ છે જેની પેટ્રોલ કારની સંખ્યા ૧૪૧ જેટલી છે મતલબ કે સીએનજીની તુલનાએ પેટ્રોલ કારના વેચાણમાં માત્ર ૯નો વધારો થવા પામ્યો છે.