માર્ગ અકસ્માત કારણે મૃત્યુ પામેલા-ઘવાયેલાને વળતર અપાવવા ડેસ્ક શરૂ
ટ્રાફિક શાખાની કચેરીએ જઈને માન્ય પૂરાવા રજૂ કર્યા બાદ આગળની તમામ કાર્યવાહી પોલીસ જ કરશે: એપ્રિલ-૨૦૨૨ બાદ ભોગ બનેલાને મળશે લાભ
આધારકાર્ડ, ફરિયાદની નકલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઈજાનું સર્ટિફિકેટ, પોલીસ રિપોર્ટ સહિતના પૂરાવા આપવા પડશે
કેન્દ્ર સરકારની હિટ એન્ડ રન અકસ્માત કેસમાં ભોગ બનનાર વ્યક્તિ અથવા તેના વારસદારને વળતર અપાવતી યોજના વધુ સજ્જડ રીતે અમલી બને તે માટે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવું ડેસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ ડેસ્ટ રૂડા કચેરી સામે આવેલી ટ્રાફિક શાખાની કચેરીએ કાર્યરત કરાયું છે. અહીં માર્ગ અકસ્માતને કારણે ઘવાયેલા લોકોના પરિવારજનો અથવા તો વ્યક્તિ પોતે જઈને દસ્તાવેજો રજૂ કરશે એટલે ફોર્મ ભરવા, મામલતદાર કચેરીએ ફોર્મ તેમજ પૂરાવા રજૂ કરવા સહિતની તમામ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવનાર હોવાનું ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હિન્ટ એન્ડ રનના માર્ગ અકસ્માતના કેસમાં ભોગ બનનાર વ્યક્તિ-વારસદારોને આ સ્કીમ અંતર્ગત વળતર મેળવવા માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની મદદ કરાશે. આ સ્કીમ અંતર્ગત ફેટલ અકસ્માતના કિસ્સામાં રૂા.બે લાખ અને ગંભીર અકસ્માતના કિસ્સામાં ૫૦,૦૦૦ વળતર મળશે. જો કે આ સ્કીનો લાભ લેવા માટે વિગતવારના નિયત-નમૂના મુજબના ફોર્મની સાથે માર્ગ અકસ્માતને લગતી ફરિયાદની નકલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઈજાનું સર્ટિફિકેટ, પોલીસ રિપોર્ટ સહિતના દસ્તાવેજી પૂરાવા સાથે દરખાસ્ત તૈયાર કરી સંબંધિત મામલતદારની કચેરીએ વળતર મંજૂર કરવા અર્થે મોકલાય છે. ત્યાંથી જિલ્લા કલેક્ટરની કચેરીએ ફાઈલ જાય છે અને ચકાસણી કર્યા બાદ ભોગ બનનારને વળતર ચૂકવવા માટે ફાઈલ મોકલી અપાય છે.
જો કે આ સ્કીમનો લાભ લેવા માંગતા લોકોને ફરિયાદી નકલ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સહિતના પૂરાવા એકઠા કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું ધ્યાન પર આવતાં ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. આ ડેસ્ક પર જઈને વળતર મેળવવા અંગેની જાણ કરાશે એટલે સ્ટાફ દ્વારા ફોર્મ ભરવા ઉપરાંત તમામ પૂરાવા એકઠા કરવામાં મદદરૂપ થવામાં આવશે સાથે સાથે ફાઈલ પણ જમા કરાવી અપાશે. એકંદરે અરજદારને કોઈ પ્રકારની દોડધામ થવા દેવાશે નહીં.
અત્યાર સુધીમાં ૧૯ ફેટલ માર્ગ અકસ્માતમાં ૩૮ લાખ વારસદારોને તેમજ ૭ ગંભીર માર્ગ અકસ્માતમાં ૩.૫૦ લાખ એમ કુલ ૨૬ કેસમાં ભોગ બનનાર વ્યક્તિ-વારસદારોને વળતર પેટે રૂા.૪૧.૫૦ લાખ ચૂકવાયા હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.