કોમ્પલેક્સમાં પાર્કિંગની ના પાડવી ગેરકાયદે -કમિશનર આનંદ પટેલ
`વોઈસ ઓફ ડે’ની ટ્રાફિક-પાર્કિંગ ઝુંબેશને બિરદાવી, સમસ્યાનો નિવેડો લાવવાનો કોલ
ટાઉન પ્લાનિંગ સહિતની શાખાઓ સાથે બેઠક યોજી `પાર્કિંગ પોલિસી’ અંગે ચર્ચા કરાશે; જરૂર પડ્યે પોલિસીમાં ફેરફાર કરી
તેની કડક અમલવારી થાય તે માટે ટીમ બનાવાશે
જે-જે કોમ્પલેક્સ તેમને ત્યાં આવતાં લોકોને વાહન પાર્ક કરવાની ના પાડે છે તેને નોટિસ ફટકારવા સહિતની કાર્યવાહી કરાશે
ટીપી સહિતની શાખા કડક' બને તો જ બધું શક્ય બનશે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે ટાઉન પ્લાનિંગ સહિતની શાખા સાથે બેઠક કરી પાર્કિંગ પોલિસી અંગે કડક હાથે કામ લેવા જણાવ્યું છે પરંતુ કમિશનરના આદેશ બાદ સ્ટાફકડક’ બનીને કામ કરે તો જ બધું શક્ય બને તેમ છે અન્યથા `હોતી હૈ, ચલતી હૈ’ની માફક ચાલ્યે રાખશે. બની શકે કે આદેશ બાદ એકાદ સપ્તાહ સુધી ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે પરંતુ આ પ્રકારનું ચેકિંગ કાયમી ચાલે તેમજ નમૂનારૂપ કાર્યવાહી થાય તો જ પાર્કિંગની સમસ્યા હળવી થઈ શકે છે.

પાર્કિંગની સમસ્યા આટલી વિકરાળ છે તે જાણી ખુદ મ્યુ.કમિશનર ચોંકી ઉઠ્યા

કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેનો ઉકેલ જરૂર હોય છે. ઘરમાં કોઈ સમસ્યા હોય તો વડિલો તેનો ઉકેલ લાવતા હોય છે અને બહારની કોઈ માળખાકીય સુવિધા અંગેની સમસ્યા હોય તો સરકારી તંત્ર તેનો ઉકેલ લાવતું હોય છે. રાજકોટમાં આવી જ એક સમસ્યા ઘર' કરી ગઈ છે અને તે સમસ્યાનું નામ છે પાર્કિંગની સમસ્યા !! શહેરમાં લગભગ દર ચોથા-પાંચમા કોમ્પલેક્સમાંગેસ્ટ પાર્કિંગ’ બહાર છે તેવા લખાણ કે બોર્ડ લાગેલા હોય છે જેના કારણે જે-તે કોમ્પલેક્સમાં આવતાં લોકોએ પોતાનું વાહન બહાર પાર્ક કરવા મજબૂર બનવું પડી રહ્યું છે. આ સમસ્યા સામે વોઈસ ઓફ ડે'એ અવાજ ઉઠાવી તંત્રનો કાન આમળ્યો છે ત્યારે સમસ્યામાંથી છૂટકારો અપાવાની જેની જવાબદારી છે તે મહાપાલિકાના કમિશનર આનંદ પટેલે આ ઝુંબેશને બિરદાવી લોકોને બને એટલી ઝડપથી તેમાંથી છૂટકારો મળે તે માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે.

મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે રાજકોટમાં પાર્કિંગની સમસ્યા આટલી વિકરાળ છે તે મનેવોઈસ ઓફ ડે’ના માધ્યમથી ધ્યાન પર આવ્યું છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે કોમ્પલેક્સમાં જગ્યા હોવા છતાં તેમાં પાર્કિંગની ના પાડવી નિયમ વિરુદ્ધ છે અને તેની સામે અવશ્યપણે કાર્યવાહી થઈ શકે અને મહાપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે. કોમ્પલેક્સમાં આવતા લોકોને અંદર પાર્કિંગની ના પાડી શકાતી જ નથી એટલા માટે એક-બે દિવસમાં જ આ મુદ્દે ટાઉન પ્લાનિંગ સહિતની શાખા સાથે બેઠક કરવામાં આવશે અને તેમાં પાર્કિંગ પોલિસી અંગે ચર્ચા કરાશે. આ ચર્ચા થયા બાદ નિયમનો ઉલાળિયો કરી રહેલા કોમ્પલેક્સ સામે કેવી રીતે કાર્યવાહી કરી શકાય તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. જરૂર પડ્યે પાર્કિંગ પોલિસીમાં ફેરફાર કરીને તેનો કડક અમલ થાય તે માટે અલગથી ટીમની રચના પણ કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે સૌથી પહેલાં તો નિયમભંગ કરતાં કોમ્પલેક્સ કેટલા છે તેનું લિસ્ટ બનાવીને તેને નોટિસ ફટકારવામાં આવશે. આ પછી પણ જો નિયમ ભંગ થશે તો આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે. એકંદરે તેમણે પણ સ્વીકાર કર્યો કે પાર્કિંગની જગ્યા હોવા છતાં વાહન પાર્ક નહીં કરવા દેવાને કારણે ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાઈ રહી છે એટલા માટે આ દિશામાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.
આ લખાણ' જ ગેરકાયદેસર છે ! મ્યુનિ.કમિશનરે પાર્કિંગ પોલિસી અંગે કડક કાર્યવાહી કરવાનો કોલ આપ્યો છે ત્યારે અક્ષર માર્ગ ઉપર આવેલુંરુદ્રાક્ષ’ કોમ્પલેક્સ જ નિયમનો ભંગ કરી રહ્યું હોય તેમ તેણે `ગેસ્ટ પાર્કિંગ બહાર છે’ તેવું લખાણ લખી નાખ્યું છે ત્યારે હવે તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું…
