રાજકોટમાં ડેંગ્યું આવતાં સપ્તાહે પૂરી કરશે બેવડી સદી: વધુ ૨૮ કેસ
વેસ્ટ ઝોનમાંથી મળી રહેલા સૌથી વધુ દર્દી: ચિકનગુનિયા-ટાઈફોઈડના રોગચાળાની પણ આગેકૂચ
મનપાનું આરોગ્ય તંત્ર કહે છે, દિવાળી સુધીમાં બધું ઠીક' થઈ જશે !
રાજકોટમાં અતિ ભારે વરસાદ બાદ ફાટી નીકળેલા રોગચાળાની રફ્તાર અટકવાનું નામ લઈ રહી નથી. છેલ્લા ત્રણ સપ્તાહથી ડેંગ્યુના ૨૫થી વધુ કેસ મળી રહ્યા હોવાથી આ વર્ષે ડેંગ્યુનો રોગચાળો બેવડી સદી સુધી મતલબ કે ૨૦૦ની નજીક પહોંચી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મળી રહેલા કેસની ઝડપ જોતાં આવતાં સપ્તાહે ડેંગ્યુના કેસ ૨૦૦ને પાર થઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. ખાસ કરીને વેસ્ટ ઝોનમાં આવતાં વિસ્તારોમાં દર્દીઓની સંખ્યા વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડેંગ્યુ ઉપરાંત ચિકનગુનિયા-ટાઈફોઈડના કેસ પણ ધીમા પગલે આગેકૂચ કરી રહ્યા હોય તહેવારો ટાંકણે જ રોગચાળાનું બિહામણું ચિત્ર લોકોને ડરાવી રહ્યું છે. બીજી બાજુ મહાપાલિકાનું આરોગ્ય તંત્ર છાતી ઠોકીને કહી રહ્યું છે કે દિવાળી સુધીમાં રોગચાળો
કંટ્રોલ’માં આવી જશે !!
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૧૬-૯-૨૦૨૪થી તા.૨૨-૯-૨૦૨૪ સુધીના સાત દિવસના જાહેર કરાયેલા રોગચાળાના આંકડા પ્રમાણે ડેંગ્યુના વધુ ૨૮ (વર્ષના ૧૯૦), ચિકનગુનિયાના ૩ (વર્ષના ૨૭), ટાઈફોઈડના ૨ (વર્ષના ૬૭) દર્દી નોંધાયા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના ૧૧૩૫ (વર્ષના ૩૬૭૯૬), સામાન્ય તાવના ૬૦૩ (વર્ષના ૧૩૭૬૫) અને ઝાડા-ઊલટીના ૨૧૨ (વર્ષના ૧૦૨૦૫) દર્દી નોંધાયા છે.