ક્રિકેટ રમ્યા બાદ સીએનું અને રાત્રિના સૂતા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત
રેલવે પ્લેટફોર્મ પર 22 વર્ષીય નવોઢાનું હ્રદય રોગના હુમલાથી જીવ ગયો
રાજકોટહૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓ યથાવત રહી છે.જેમાં વધુ ત્રણ બનાવમાં નવોઢા સહીત ત્રણના શ્વાસ થભી જતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. રૈયાધાર રહેતો 33 વર્ષનો યુવાન ક્રિકેટ રમીને આવ્યા બાદ બેભાન થઇ જતાં,રૈયા ગામમાં 38 વર્ષના યુવાનનું અને રેલવે પ્લેટફોર્મ પર 22 વર્ષીય નવોઢાનું હ્રદય રોગના હુમલાથી જીવ જતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પ્રથમ બનાવની વિગત મુજબ રૈયાધાર શાંતિનગર નજીક આવેલા સનીસીટી એ-કલેવ એપાર્ટમેન્ટ ૪૦૩માં રહેતો જીગ્નેશ અતુલભાઈ ઠક્કર (ઉ.વ.33) નામનો યુવાન રાતે સાડા બારેક વાગ્યે ઘરે એકાએક બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પરંતુ અહિ સારવાર દરમિયાન મોડી રાતે તેનું મોત નીપજ્યું હતું.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જીજ્ઞેશભાઇ સીએનું કામ કરતો હતો અને એક બહેનથી મોટો હતો. તેના પિતા હયાત નથી. તે માતા અને બહેનનો એકનો એક આધારસ્તંભ હતો. રાતે મિત્રો સાથે બોક્સ ક્રિકેટ રમવા ગયો હતો. રમીને ઘરે આવ્યા બાદ એકાએક હૃદયમાં તકલીફ થઇ હતી અને મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં રૈયા ગામમાં ખોડિયાર મંદિર પાસે રહેતાં કરસનભાઈ મશરૂભાઇ ઝાપડા (ઉં.વ.૩૮) નામના યુવાનને રાતે છાતીમાં દબાણ થતાં બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ પરંતુ ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનાર કરસનભાઈ છુટક મજૂરી કરતો હતો. તેને સતાનમાં બે પુત્ર છે. તેના પિતા હયાત નથી પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો.
ત્રીજા બનાવમાં કૃષ્ણનગર નગરમાં હનુમાન મંદિર પાસે રહેતી ભારતીકુમારી બોબીકુમાર જાદવ (ઉ.વ.22) તેણી ગઈ કાલે બપોરના પોતાના વતન ઉત્તર પ્રદેશમાં જવા માટે રાજકોટ રેલ્વે પ્લેટફોર્મ નં-4 માં બેઠાં હતાં ત્યારે અચાનક તબિયત લથડતાં બેભાન થઈ જતાં તાકીદે તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો.ત્રણય બનાવમાં હાર્ટ એટેક આવ્યા હોવાનું તબિબી તપાસમાં ખુલ્યું હતું.