ફેંસલો, નાગરિક બેન્કની ચૂંટણીમાં આજે મતગણતરી
ડેલિગેટ્સ સહકાર પેનલ સાથે કે સંસ્કાર પેનલ સાથે ? આજે થઇ જશે નિર્ણય
રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેન્કના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં મામાની સહકાર પેનલ વિરુદ્ધ ભાણેજની સંસ્કાર પેનલ વચ્ચે ખેલાયેલા ચૂંટણી જંગમાં ૯૬.૩૯ % મતદાન થયા બાદ આજે સવારે આઠ વાગ્યાથી પાંચ ટેબલ ઉપર મતગણતરી શરૂ થશે અને કલાકોના સમયગાળામાં જ મતગણતરી પૂર્ણ થતા આ ચૂંટણીમાં બેન્કના ડેલિગેટસે સંસ્કાર પેનલને કેટલો સાથ આપ્યો તેનું ચિત્ર સ્પષ્ટ બનશે, નોંધનીય છે કે, નાગરિક બેન્કની ચૂંટણીમાં અગાઉ જ પાંચ બેઠકો બિનહરીફ થઇ છે ત્યારે આજે 11 બેઠકો માટેનો ફેંસલો થશે.
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જૂનાગઢ અને મુંબઈ બ્રાન્ચમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો કરી બેન્કના સત્તાધીશો સામે પડેલા કલ્પક મણીયારે બેન્ક બચાવો સંઘ મારફતે બેન્કના સત્તાધીશોની આખો ખોલવા અભિયાન શરૂ કર્યા બાદ લાંબા સમયથી બિનહરીફ હોદેદારોની નિમણૂકની પરંપરા તૂટી હતી અને ૨૭ વર્ષ બાદ નાગરિક બેંકમાં મામા અને ભાણેજની પેનલો વચ્ચે ચૂંટણી જંગ ખેલાતા 17મીએ ૯૬.૩૯ % મતદાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, નાગરિક બેન્કની ચુંટણીમાં મામા જ્યોતીન્દ્રભાઈ મહેતાની સહકાર પેનલના 15 ઉમેદવારો સામે ભાણેજ કલ્પકલા મણીયારની સંસ્કાર પેનલના 11 ઉમેદવારો મેદાનમાં ઉતરતા કુલ મતદારો ૩૩૭ માંથી ૩૨૦ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં રાજકોટમાં ૧૯૬માંથી ૧૮૯, જેતપુરમાં ૪૧માંથી ૪૧, મોરબીમાં ૪૩માંથી ૪૨, અમદાવાદમાં ૧૧માંથી ૯, જસદણમાં ૨૯માંથી ૨૭, સુરતમાં ૮માંથી ૮, મુંબઈમાં ૪માંથી ૪ અર્થાત જેતપુર-સુરત અને મુંબઈમાં ૧૦૦ % મતદાન. કુલ ૯૬.૩૯ % મતદાન થયું હતું.
દરમિયાન રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ ખાતે આજે સવારે આઠ વાગ્યાથી પાંચ ટેબલ ઉપર પચ્ચીસ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે અને સંભવત કલાકોના સમયગાળામાં પરિણામ જાહેર થશે, નોંધનીય છે કે, કો-ઓપરેટીવ સોસાયટીના કાયદામાં બદલાવ બાદ પ્રથમ વખત જ જિલ્લામાં યોજાયેલ આ ચૂંટણી પ્રક્રિયામાં સોમવારે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી ફરજ ઉપરના સ્ટાફને મતગણતરીની તાલીમ પણ આપવામાં આવી હતી, બીજી તરફ લાંબા સમયથી નાગરિક બેંકમાં ચાલતા રાજકારણમાં આજે પરિણામ જાહેર થયા બાદ સંસ્કાર અને સહકાર પેનલની તાકાતના પારખા પણ થઇ જશે.