કાલે રાજકોટ બેઠકની મત ગણતરી: બપોરે પરિણામ
કણકોટ સ્થિત એન્જિનિયરીંગ કોલેજ ખાતે તૈયારીને અપાયો આખરી ઓપ
સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી
રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી મંગળવારના રોજ કણકોટ ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે થશે. અહી તમામ તૈયારી પૂરી કરી લેવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. આ વખતે ભાજપે પોતાના કાર્યકરો અને નેતાઓને મત ગણતરી કેન્દ્ર સુધી નહી જવા અપીલ કરી હોવાથી થોડી ઓછી ભીડ રહેશે તેવું લાગી રહ્યું છે આમ છતાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
મતગણતરી સ્ટાફનું પહેલું રેન્ડમાઈઝેશન એક અઠવાડિયા પહેલા થઇ ગયું છે જયારે બીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના 24 કલાક પહેલા એટલે કે આજે સોમવારે સવારે અને ત્રીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે 5 વાગ્યે ઑબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે. મતગણતરીના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, એક કાઉન્ટીંગ સુપરવાઈઝર અને એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.
મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે તેવા મીડિયાકર્મીઓ પણ પ્રવેશ કરી શકશે.
ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે. ત્યારબાદ EVM રાઉન્ડવાઈઝ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવવામાં આવશે. સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ તથા EVMના મતોની ગણતરી શરુ કરાશે.
વાહનો માટે જારી કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા
મતગણતરી દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે હેતુસર પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરાઈ છે.
જેમાં ઘોડાધાર મંદિર(સૂર્યમુખી ચોક)થી એન્જીનીયરીંગ કોલેજથી પાટીદાર ચોક સુધીના રસ્તા પર તેમજ આદ્યશક્તિ ટી સ્ટોલથી એન્જીનીયરીંગ કોલેજથી પાટીદાર ચોક સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવ્યો છે. વૈકલ્પિક રૂટ માટે ઘોડાધાર મંદિરથી પાટીદાર ચોક તરફ જવા માંગતા વાહનો કણકોટ રોડથી કાલાવડ રોડ કોસ્મો ચોકડીથી નવા ૧૫૦ ફૂટ રીંગ રોડથી પાટીદાર ચોકડ તરફ જઈ શકાશે.
ઘોડાધાર મંદિર ચોકથી સીટી લાઈટ પાર્ટી પ્લોટ સુધીના બંને રોડ સાઈડનો “નો-પાર્કિંગ” જાહેર કરાયેલ છે. તેમજ બાલવી ગેરેજની પાછળના અને સામેના ખૂલ્લા ગ્રાઉન્ડમાં અને જે.કે.હોસ્ટેલની આજુબાજુ તથા પાછળના ગ્રાઉન્ડમાં, પાટીદાર ચોકથી આગળ ફિલ્ડમાર્શલ વાડીના ગ્રાઉન્ડમાં ટુ વ્હીલર તથા કાર સહિતના વાહનો પાર્ક કરી શકાશે. એન્જીનીયરીંગ કોલેજની સામેના ગ્રાઉન્ડમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, એજન્ટ પોતાના વાહનો પાર્ક કરી શકશે. આ જાહેરનામું મતગણતરીના દિવસે સવારના ૫ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે.
લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકની થશે થશે મતગણતરી
રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે . તા. 4 જૂન, 2024ના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં 25 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. પાંચ સ્થળે લોકસભા ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી પણ થશે.
રાજ્યમાં સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારીને જુદી જુદી જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. આજે મતગણતરી માટેના તમામ ઑબ્ઝર્વર્સ ફરજ સ્થળ પર હાજર થઈ ગયા છે.
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્ર તેમજ સ્ટ્રોંગ રૂમના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન (લેન્ડલાઈન) અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. ETPBSની મતગણતરી પ્રક્રિયામાં આવશ્યક OTP મેળવવા રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અથવા કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પૂર્વપરવાનગી સાથે સાયલન્ટ મોડ પર મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર તથા પબ્લિક કૉમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.
મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાજ્યકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નં.1 ના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવશે.