ડેપ્યુટી કલેકટર અને મામલતદારોના પ્રમોશનનું કાઉન્ટ ડાઉન શરૂ
રાજકોટમાં બે મામલતદાર ડેપ્યુટી કલેકટર બનશે, ચાર નાયબ મામલતદાર બનશે મામલતદાર
રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા મામલતદારોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા નાયબ મામલતદારોને પ્રમોશન આપવાની સાથે મામલતદારોને ડેપ્યુટી કલેકટરના પ્રમોશન આપવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોય સંભવત ચાલુ અઠવાડિયામાં જ બઢતી-બદલીના હુકમો કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. આ પ્રમોશન ઓર્ડર અન્વયે રાજકોટ જિલ્લામાં છ અધિકારીઓને પ્રમોશન મળશે.
મહેસુલી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત રાજ્યભરમાં ખાલી પડેલી મામલતદારોની જગ્યા ભરવા સરકારે નાયબ મામલતદારોને બઢતી આપવા તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે સાથે જ મામલતદારથી ડેપ્યુટી કલેકટરના પ્રમોશન માટે પણ તખ્તો ઘડાઈ ચુક્યો છે, સરકારના આ બઢતી બદલીના હુકમ અન્વયે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા બે મામલતદારને ડેપ્યુટી કલેકટરના અને એક મહિલા સહિત ચાર નાયબ મામલતદારોને મામલતદારના પ્રમોશન આપવામાં આવશે, સંભવત ચાલુ અઠવાડિયામાં અથવા ઓક્ટોબર માસના પ્રથમ અઠવાડિયામાં બદલી-બઢતીનો ઘાણવો નીકળે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.