રમશે રાજકોટ ! પાંચ તાલુકામાં 2.46 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ શરૂ
પડધરી, જામકંડોરણા, ઉપલેટા, લોધિકા અને કોટડા સાંગાણીમાં વોલીબોલ, કબડ્ડી, બાસ્કેટ બોલ, રનિંગ ટ્રેક, ચેજીંગ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે
રાજકોટ : રમશે ગુજરાત સૂત્રને સાર્થક કરવા રાજકોટ જિલ્લામાં પણ યુવા ખેલાડીઓને સુવિધા આપવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરેક તાલુકામાં રમત-ગમતના મેદાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના પાંચ તાલુકાઓમાં રૂપિયા 2.46 કરોડના ખર્ચે રમત ગમતના મેદાનો બનાવવાના કામને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પાંચ તાલુકામાં આગામી ત્રણેક મહિનામાં મેદાનો બનીને તૈયાર થઈ જશે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યુ હતું કે, દરેક તાલુકા દીઠ એક રમત ગમતનું મેદાન બનાવવાની દિશામાં હાલ પ્રયત્નો ચાલુ છે. લોધિકામાં મંત્રી ભાનુબેનના અધ્યક્ષતામાં મેદાનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ.65 લાખના ખર્ચે ત્યાં વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જે કામ મહિનામાં પૂર્ણ થશે. સરકારી ખરાબા વણવપરાયેલા પડ્યા હતા. જેને લોકઉપયોગી બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.આ ઉપરાંત પડધરીની કવિ શ્રી દાદ સરકારી કોલેજમાં પણ રૂ. 46.23 લાખના ખર્ચે મેદાન બનાવવામાં આવનાર છે. જેના ટેન્ડર પણ અપાઈ ગયા છે.
ઉપલેટામાં પણ 51.86 લાખના ખર્ચે મેદાન તૈયાર કરવામાં આવનાર છે. જ્યારે જામકંડોરણાના જશાપરમાં રૂ. 48.16 લાખના ખર્ચે મેદાન તૈયાર કરવામાં આવનાર છે. કોટડા સાંગાણીની સરકારી કોલેજમાં રૂ. 34.64 લાખના ખર્ચે મેદાન તૈયાર કરવામાં આવનાર છે. આમ રૂ.2.46 કરોડના ખર્ચે આ કામો થનાર છે. તમામ કામ માટે ફંડ ડીએમએફમાંથી આપવામાં આવ્યું છે. જ્યારે પડધરીમાં ગ્રાઉન્ડના કામનું ફંડ લોકમેળા અમલીકરણ સમિતિમાંથી આપવામાં આવ્યું છે. ત્રણ મહિનામાં તાલુકા લેવલે રમત ગમતના મેદાનો ઉપલબ્ધ થશે.
વધુમાં જિલ્લા કલેકટર જોશીએ ઉમર્યું હતું કે, તમામ રમતગમતના મેદાનોમાં વોલીબોલ, કબડ્ડી, બાસ્કેટ બોલ, રનિંગ ટ્રેક, ચેજીંગ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ રમતગમતના મેદાનોનોની જાળવણી માટે તાલુકા કક્ષાએ સમિતિ બનાવવામાં આવશે. જેના અધ્યક્ષ મામલતદારને બનાવાશે.આ સાથે ગ્રામ પંચાયતના હોદ્દેદારોને પણ સમિતિમાં આવરી લેવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ યુવાન સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ આવે તે માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.