રાજકોટની જૂના કોર્ટ બિલ્ડીંગનો ઉપયોગ મેડિકલ કોલેજ માટે કરવા વિચારણા : કલેકટર
- સંકલન બેઠકમાં જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવા અધિકારીઓને સૂચના આપતા કલેક્ટર
રાજકોટ : રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં નવા કોર્ટ બિલ્ડિંગના નિર્માણ બાદ કોર્ટનું સ્થળાંતરણ થતા હાલમાં ખાલી પડેલ કોર્ટ બિલ્ડિંગનો ઉપયોગ મેડિકલ સેવાઓ અને મેડિકલ કોલેજ માટે કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રાજકોટ મ્યુનિસિપાલિટી દ્વારા વોટર હાર્વેસ્ટિંગ, બોર, ચાર નવા ચેકડેમો, સિવિલ હોસ્પિટલ અને રેસીડેન્સિયલ વિસ્તારમાં જળસંચયની યોજનાઓ અને પી.જી.વી.સી.એલ.હસ્તકના રૂફ ટોપવાળી યોજના હેઠળ આવેલી અરજીઓ અને ફરિયાદો અંગે ચર્ચાઓ કરાઈ હતી. સાથે જ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જૂની કોર્ટ બિલ્ડીંગ સહિતની અન્ય સરકારી બિલ્ડીંગનો ઉપયોગ મેડિકલ સેવાઓ અને મેડિકલ કોલેજ માટે કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે. અને આ માટે જરૂરી કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાયો છે.
આ બેઠક્માં ધારાસભ્ય દર્શિતાબેન શાહે રાજકોટ ખાતેની રજીસ્ટ્રાર ઓફિસ, નવી પદ્મ કુંવરબા હોસ્પિટલ, સ્પેશિયલ હોમ ફોર બોયઝની ઈમારત, માધાપર ચોકડીના સર્વિસ રોડ, પુરવઠા વિભાગને મળેલો વધારાનો જથ્થો, હોસ્પિટલ ખાતેના પી.એમ.જે.વાય.ના પોર્ટલ, સિવિલ હોસ્પિટલ ખાતેના એરકન્ડિશન, પંખા, કૂલર સહિતની સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી યોગ્ય કાર્યવાહી સત્વરે કરવા તાકીદ કરી હતી. જયારે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ હાલમાં આવેલા ભારે વરસાદના લીધે થયેલા મુંગા પશુઓના મોત, ખેતીના પાકો પર અસર, રસ્તાનું ધોવાણ, ચેકડેમો અને પુલિયા તૂટવા વગેરે અંગે તાત્કાલિક રાહત કામ કરવા જણાવ્યું હતું.
ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જમીન માપણીમાં આવતી અરજીઓ અને નિકાલ થયેલી અરજીઓના લીધે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું. જે અંગે કલેકટરએ સંબંધિત અધિકારીઓને નિયત સમય મર્યાદામાં કાર્ય કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.