આજે દુકાન ખુલ્લી રાખશે એનો વીડિયો વાયરલ કરશે કોંગ્રેસ !
સવારથી કોંગ્રેસ કાર્યકરો શાંતિપૂર્વક બંધ કરાવવા નીકળશે: જો કોઈ બંધ નહીં કરે તો હાથ જોડીને વિનંતી કરાશે
આ બંધ કોંગ્રેસ માટે નથી, ભુંજાઈ ગયેલા ૨૭ નિર્દોષ લોકો માટે હોય તમામને જોડાવવા કોંગ્રેસની અપીલ
બંધના એલાન બાદ લડત પૂર્ણ નહીં થાય, આગામી સમયમાં વધુ તેજાબી કાર્યક્રમ અપાશે-શક્તિસિંહ ગોહિલ
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, કોંગ્રેસ સેવાદળના લાલજી દેસાઈ સહિતની ટીમ દ્વારા ૭૦થી ૮૦,૦૦૦ લોકોનો જનસંપર્ક કરી બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આજે જે પણ દુકાન કે શો-રૂમ અથવા તો કોઈ પણ ધંધાદારી એકમ બંધમાં નહીં જોડાય તો તેનો વીડિયો ઉતારીને વાયરલ કરવામાં આવશે !
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે જણાવ્યું કે કોંગ્રેસ કાર્યકરો સવારથી જ શાંતિપૂર્વક બંધ કરાવવા માટે નીકળી જશે. આ માટે વિસ્તારવાઈઝ ટીમ બનાવવામાં આવી છે જે લોકોને અપીલ કરશે. જો કોઈ બંધ નહીં કરે તો તેની સાથે જબરદસ્તી કરવાને બદલે હાથ જોડીને વિનંતી કરવામાં આવશે આમ છતાં જો કોઈ નહીં જોડાય તો તેનો વીડિયો વાયરલ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ બંધ કોંગ્રેસ માટે નથી બલ્કે અગ્નિકાંડમાં જીવતાં ભૂંજાઈ ગયેલા ૨૭ નિર્દોષ લોકો માટે હોય દરેક શહેરીજન તેમાં સાથ-સહકાર આપે તેવી અમારી અપીલ છે. એકંદરે આજે બંધનું એલાન પૂર્ણ થયા બાદ અહીંથી કોંગ્રેસની લડત પૂર્ણ થઈ રહી નથી. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા વધુ તેજાબી કાર્યક્રમ આપી તંત્રને ઢંઢોળવામાં આવશે સાથે સાથે જવાબદાર અધિકારીઓ-પદાધિકારીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવા માટે મજબૂર કરવામાં આવશે.
સરકારમાં હિંમત હોય તો દરેક અધિકારીની મિલકતો જાહેર કરે
રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું કે હું ગુજરાતના ભ્રષ્ટ નેતાઓને પડકાર આપું છું કે તેઓ અધિકારીઓની ૧૦ વર્ષ પહેલાંની અને આજની મિલકતો જાહેર કરે. આ માટે કોંગ્રેસના તમામ નેતા પોતાની મિલકત જાહેર કરવા માટે તૈયાર છે ત્યારે ભાજપના નેતાઓમાં હિંમત હોય તો તેઓ પણ મિલકતો જાહેર કરવાની તૈયારી દર્શાવે…!
આટલા સંગઠનો-એસો.એ બંધને આપ્યો ટેકો
- બાર એસોસિએશન
- આમ આદમી પાર્ટી
- જંકશન-ગાયકવાડી પ્લોટ વેપારી મંડળ
- ધ સ્ટેશનરી ડિસ્ટ્રિબ્યુશન એસો.
- ઓટો ક્નસલ્ટન્ટ એસો.
- ઈમિટેશન જ્વેલરી એસો.
- ધર્મેન્દ્ર રોડ વેપારી એસો.
પોલીસે બંધમાં જોડાનાર વેપારીઓનું લિસ્ટ તૈયાર કર્યું !?
એવી વિગતો પણ જાણવા મળી રહી છે કે પોલીસ દ્વારા આજે બંધમાં જોડાનાર વેપારી સંગઠનો તેમજ એસોસિએશનની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ માટે પોલીસ મથકમાંથી ટેલિફોનનો મારો પણ શરૂ થયો હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે આ પ્રકારે લિસ્ટ શા માટે તૈયાર કરવામાં આવતું હશે તે કોઈને સમજાઈ રહ્યું નથી !