આજે પોલીસ કમિશનર કચેરીને કોંગ્રેસનો ઘેરાવ
અગ્નિકાંડનાં પીડિત પરિવારોની માંગણીઓને લઇ કોંગ્રેસ લડી લેવાના મૂડમા
બહુમાળી ભવનથી જિલ્લા પંચાયત ચોક સુધી ૧૫૦૦ કાર્યકરોની કુચ
ગેનીબેન ઠાકોર,અમિત ચાવડા,જિજ્ઞેશ મેવાણી,વિમલ ચુડાસમા સહિત અનેક ધારાસભ્યો,નેતાઓ ધરણા કરશે
ટી.આર.પી. ગેમઝોનમાં થયેલાં અગ્નિકાંડ મુદે પીડિત પરિવારોને ન્યાયની માંગણીઓને લઇ કોંગ્રેસ આક્રમક મૂડમા જોવા મળી રહી છે. તાજેતરમાં ત્રિકોણબાગ ખાતે ત્રણ દિવસ સુધી ધરણા કર્યા બાદ હવે કોંગ્રેસે આજે શનિવારે પોલીસ કમિશનર કચેરીને ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સહીત ૧૫૦૦ લોકો હાજર રહીને પીડિત પરિવારોને ન્યાય મળે તેનો અવાજ ઉઠાવશે. કોંગ્રેસે ૨૫મીએ રાજકોટ બંધનું એલાન પણ આપ્યુ છે.
કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કહ્યું છે કે, કોંગ્રેસ શનિવારે સવારે ૧૦ વાગ્યે બહુમાળી ભવનથી પોલીસ કમિશનર કચેરી સુધી કુચ કરશે અને પછી ઘેરાવ કરશે.
આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી,વિમલ ચુડાસમા,લાલજી દેસાઈ,પાલ આંબલિયા ઉપરાંત અનેક ધારાસભ્યો,પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસની મુખ્ય માંગ છે કે ૧) SIT મા પ્રમાણિક અને બાહોશ અધિકારીને નિમણૂક કરો (૨) પીડિત પરિવારોને ૧ કરોડની સહાય અને ( ૩) ૧ વર્ષમાં આ કેસની ટ્રાઈલ પૂરી થાય તે માટે કેસને ફાસ્ટટ્રેકમા ચલાવો.
દરમિયાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તપાસ કમિટીના હેડ સુભાષ ત્રિવેદીનુ એક જ રટણ”તપાસ હજુ ચાલુ છે..રાજકોટ પોલીસના નવા કમિશનર કે અન્ય પોલીસની એસઆઈટીની ટીમ દ્વારા ગેમઝોનની કયા તપાસ પહોચી છે કે તપાસની હાલ સ્થિતિ શુ છે તે અંગે કોઇ માહિતી મીડિયાને કેમ નથી આપવામા આવતી ?
તેમણે કહ્યું હતું કે, આ મામલામાં ભાજપના નેતાઓ સામે પુરાવા હોવા છતાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
