કોંગ્રેસ કડડભૂસ અર્જુન મોઢવાડિયાનું રાજીનામું
અર્જુનના તીરથી કોંગ્રેસ મરણતોલ ઘાયલ
અંબરીશ ડેરે પણ ભગવો ધર્યો
પુંજાભાઇ વંશ પણ છેડો ફાડવાની તૈયારીમાં?
સાતમી તારીખે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈ ગુજરાતમાં આવવાના છે તે પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસના ભાગ્યા તૂટ્યા કિલ્લાના બચી ગયેલા મુઠ્ઠીભર કાંગરા પણ કડડભૂસ થઈ ગયા છે. સોમવારે પોરબંદરના કોંગી ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું આપી દેતા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને કારમો ઝાટકો લાગ્યો છે. એ પહેલા સોમવારે બપોરે રાજુલાના ભૂતપૂર્વ કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. મોઢવાડિયા અને ડેર સંભવત મંગળવારે વિધિવત ભાજપમાં પ્રવેશ કરશે.બીજી તરફ ઉનાના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ કોળી નેતા પુંજાભાઈ વંશ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા જેવા મોટા ગજાનાં નેતાઓ ભાજપમાં જોડાશે તેવી ઘણા સમયથી ચાલતી અટકળો અંતે સાચી પડી છે. સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અંબરીશ ડેરના નિવાસ્થાનની મુલાકાત લઈ તેમના નાદુરસ્ત માતાની તબિયતના હાલ જાણ્યા હતા. તેની ગણતરીની કલાકો બાદ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.
અર્જુનભાઈએ સાંજે વિધાનસભામાં જઈને અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામાનો પત્ર સુપ્રત કર્યો હતો અને બાદમાં કોંગ્રેસ છોડવાની જાહેરાત કરતા કોંગી છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો હતો. મોઢવાડિયા પ્રથમ વખત ૧૯૯૮માં પોરબંદરની બેઠક પરથી ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. ત્યારથી અત્યાર સુધીની ત્રણ દાયકાની કારકિર્દી દરમિયાન તેમણે પક્ષ પ્રમુખ તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના અનેક મોટા ગજાનાં નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો ત્યારે પણ અર્જુનભાઈએ કોંગ્રેસનો ગઢ સાચવી રાખ્યો હતો. હવે તેમણે પણ રાજીનામું આપી દેતા કોંગ્રેસની હાલત કંગાળ થઈ ગઈ છે.
કઇ રીતે પાર પડ્યું ઓપરેશન કમલમ્?
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપની ઘણા વખતથી અંબરીશ ડેર ઉપર નજર હતી. ભાજપના પક્ષ પ્રમુખ સી આર પાટીલ ભૂતકાળમાં જાહેરમાં તેમને ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપી ચૂક્યા હતા. હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા ડેર કોંગ્રેસમાં ગુંગરામણ અનુભવતા હતા. તેમને ભાજપમાં લાવવામાં એક લોકસાહિત્યકારની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.ભાજપના વર્તુળોના જણાવ્યા અનુસાર રાજુલાના ભાજપના વર્તમાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ બેઠક ઉપરથી રાજીનામું આપી ભાવનગરની બેઠક ઉપરથી સંસદની ચૂંટણી લડશે અને ખાલી પડેલી એ બેઠક પર અમરીશ ડેર ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડી પુન ધારાસભ્ય બનશે. તેમને પણ મંત્રી પદ આપવામાં આવે તેવી સંભાવના છે. ડેરના રાજીનામાં સાથે ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક ઉપર અને મોઢવાડિયા ના રાજીનામાં સાથે પોરબંદરની બેઠક ઉપરનો રહ્યો સહ્યો પડકાર પણ દૂર થઈ ગયો છે.
મોઢવાડિયાને મોભાદાર મંત્રી પદ અપાશે
અહેમદભાઈ પટેલના નિધન બાદ કોંગ્રેસનું હાઈ કમાન્ડ ગુજરાતના પાયાના કાર્યકરો અને નેતાઓ સાથે સંપર્ક ગુમાવી ચુક્યું હતું. ત્રણ ત્રણ દાયકા સુધી સૌરાષ્ટ્ર નો ગઢ જાળવી રાખનાર મોઢવાડિયા હાંસિયામાં ધકેલાઈ જતા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. અંતે તેમણે કોંગ્રેસને અલવિદા કરી દીધું. તેઓ હવે ભાજપની ટિકિટ ઉપર ધારાસભાની ચૂંટણી લડશે અને બાદમાં તેમને કેબિનેટમાં મોભાદાર મંત્રી પદ આપવામાં આવશે.
પુંજાભાઇ ભાજપમાં જોડાય તો જૂનાગઢની ટિકિટ નક્કી
ઉનાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ કોળી નેતા પુંજાભાઈ વંશ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો તેજ બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની જૂનાગઢની બેઠક ઉપર ભાજપ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને બદલવા માંગે છે.જો પુંજાભાઈ વંશ ભાજપમાં જોડાય તો તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવશે. જો કે વોઇસ ઓફ ડે' સાથેની વાતમાં પુંજાભાઇ એ
કોંગ્રેસ છોડવાની કોઈ વાત નથી’ તેમ જણાવ્યું હતું.