કોંગ્રેસે પૂરાવા વગર જ વિજય રૂપાણી પર જમીન કૌભાંડના આક્ષેપ કર્યા’તા !
સુખરામ રાઠવા, શૈલેષ પરમાર સહિતનાએ કોર્ટમાં માંગવી પડી માફી
આક્ષેપ કર્યા ત્યારે કોંગ્રેસમાં અને હાલ ભાજપમાં ભળેલા ધારાસભ્ય સી.જે.ચાવડા પણ માફી માંગવામાં સામેલ
રૂપાણીએ `મોટું મન’ રાખી માફ કર્યા
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે કોંગ્રેસના વિપક્ષી કાર્યાલયમાંથી એક પ્રેસનોટ ઈશ્યુ કરીને વિજય રૂપાણી ૫૦૦ કરોડથી વધુના જમીન કૌભાંડમાં સામેલ છે તેવા આક્ષેપ કરીને ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જી દેવામાં આવ્યો હતો. એક સમયે આ મુદ્દો છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પણ પહોંચ્યો હતો સાથે સાથે રાજકીય પંડિતોને ચર્ચા કરવા માટે એક નવો વિષય પણ પ્રાપ્ત થયો હતો. આ ઘટનાને બે વર્ષ વીતી ગયા બાદ હવે આ મામલે મહત્ત્વનો ખુલાસો થયો છે કે કોંગ્રેસ દ્વારા આ આક્ષેપ પૂરાવા વગર જ લગાવવામાં આવ્યા હતા જેના કારણે હવે દિગ્ગજ નેતા સહિતનાએ વિજયભાઈ રૂપાણીની કોર્ટ સમક્ષ માફી માંગવી પડી છે.
કોંગ્રેસના તે સમયના વિપક્ષી કાર્યાલયના અંગત મદદનીશ પ્રવીણ પરમાર, એ સમયના ધારાસભ્ય સુખરામ રાઠવા ઉપરાંત શૈલેષ પરમાર, એ સમયે કોંગ્રેસમાં અને હાલ ભાજપમાં ભળી ગયેલા ધારાસભ્ય સી.જે.ચાવડા સહિતનાએ રૂપાણી ઉપર જમીન કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ કરાતાં જ વિજયભાઈએ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી કે કોંગ્રેસ દ્વારા કોઈ પણ આધાર-પૂરાવા વગર ખોટા આક્ષેપો કરીને તેમને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
આ કેસમાં વિજયભાઈ રૂપાણી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટસ તરફથી અંશ ભારદ્વાજ સહિતનાએ એવી દલીલ કરી હતી કે વિજયભાઈ રૂપાણી રાજ્યમાં એક આબરૂદાર, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેમણે મુખ્યમંત્રી તરીકે કોઈ પ્રકારનું નિયમ કે કાયદા વિરુદ્ધનું કાર્ય કર્યું નથી કે કોઈને કરવા દીધું પણ નથી. તેમના જાહેર જીવનમાં ક્યારેય એક પણ આક્ષેપ થયો નથી આમ છતાં તેમના જીવનને હાની પહોંચાડવા માટે કોંગ્રેસ આગેવાનોએ ષડયંત્ર રચ્યું હતું.
આ પછી ફરિયાદના સમર્થનમાં લાગતા-વળગતા સાહેદોને કોર્ટ સમક્ષ તપાસવામાં આવ્યા હતા અને તમામ દસ્તાવેજી પૂરાવાઓ તેમજ વિવિધ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બે વર્ષ સુધી આ કેસમાં દલીલ થઈ હતી અને આખરે ચારેય આરોપીને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો. સમન્સ નીકળવા છતાં આરોપીઓ કોર્ટમાં આવવાનું ટાળી રહ્યા હતા. આખરે કોર્ટ દ્વારા જો આરોપીઓ હાજર ન થાય તો તેમના વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઈશ્યુ કરવાનો આદેશ અપાતાં ચારેય કોર્ટમાં હાજર થયા હતા અને પોતાના વકીલ મારફતે લેખિતમાં બીનશરતી માફી માંગતું માફીપત્ર રજૂ થયું હતું.
આ પછી કોર્ટે વિજયભાઈ રૂપાણીને આ માફી મંજૂર છે કે કેમ ? તેઓ આ કેસ આગળ ચલાવવા માંગે છે કે કેમ ? તેમ પૂછતાં વિજયભાઈ રૂપાણીએ આ માફી સ્વીકારી લેતાં કોર્ટે આ મુદ્દો ગ્રાહ્ય રાખી કેસ ડિસ્ચાર્જ કર્યો હતો.
આ કેસમાં વિજયભાઈ રૂપાણી તરફે અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ સહિતના રોકાયા હતા.