ડૉક્ટર-ફાર્મસી વચ્ચે સાંઠગાંઠ: રાજકોટમાં દર્દીઓને ચીરી નાખતી કમિશનની ઉઘાડી પ્રેક્ટિસ
સફેદ કપડાં પાછળનો `કાળો ખેલ’ ભાગ-૧
દવા બને છે ૧૦ રૂા.માં, દર્દી સુધી પહોંચે છે ૧૦૦ રૂા.માં; ડૉક્ટર-દવા કંપની વચ્ચે ચાલે છે કમિશનનો ખેલ
ડૉક્ટર ક્નસલ્ટીંગ ચાર્જ તો લ્યે જ છે પણ પોતાને કમાઈ આપતી દવા લખીને તેમાંથી પણ ખાય છે કમિશન
દવા કંપની અને ડૉક્ટર વચ્ચે વચેટિયા'ની ભૂમિકા ભજવે છે એમ.આર.
ભગવાનને પણ શરમ આવી જાય તેવા જમીન પરનાભગવાન’નો ખેલ બંધ કરાવવામાં સરકારના હાથ પણ પડે છે ટૂંકા
રાજકોટમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે કે તેમને ત્યાં ખાટલો' મતલબ કે કોઈ પરિજન બીમાર પડ્યું ન હોય...આજનો ભાગદોડવાળો જમાનો, જંક-ફાસ્ટફૂડનું સતત સેવન, વ્યસન, સ્ટે્રસ સહિતના પરિબળોને કારણે વ્યક્તિ અને માંદગી એ બન્ને સિક્કાની બે બાજુ બની ગયા છે. હવે કોઈ બીમાર પડે એટલે ડૉક્ટર પાસે દોટ મુકવાના જ છે. અત્રે એ કહેવાની જરૂર નથી કે ડૉક્ટરને લોકોએ ભગવાનનું બિરુદ આપેલું છે પરંતુ પાછલા સમયમાં થયેલા અનેક કાંડ ઉપરાંત તાજેતરમાં જ ગુજરાતને ગજવી રહેલો ખ્યાતિકાંડ ગળું ફાડી ફાડીને કહી રહ્યો છે કે સફેદ કપડાં પાછળ ક્યાંકને ક્યાંકકાળો’ ખેલ ચાલી રહ્યો છે ! આવું કહેવું અત્યારે વ્યાજબી પણ લાગી રહ્યું છે કેમ કે બીમાર પડ્યા બાદ ડૉક્ટરની ફી ચૂકવીએ અને ત્યારપછી ડૉક્ટરે દવા લખી આપી હોય તેની ખરીદી કરીએ એટલે તેમાં એટલી વ્યવસ્થિત ચેઈન ચાલી રહી છે જેના કારણે દર્દીના ખીસ્સા ખંખેરાઈ રહ્યા છે તો ડૉક્ટરોના ગજવા છલકાઈ રહ્યા છે !!
દરેક પરિવાર માટે એક ફેમિલી ડૉક્ટર હોય છે, વધુ તકલીફ પડે તો એ જ ફેમિલી ડૉક્ટર ફલાણી-ઢીકણી હોસ્પિટલમાં મોકલે છે. ડૉક્ટર ઉપર લોકોને ભરોસો એટલો બધો હોય છે કે તે આંખ બંધ કરીને ડૉક્ટર કહે એટલા રૂપિયાની દવાની ખરીદી કરી લ્યે છે. ડૉક્ટર આ જ ભરોસાનો ફાયદો ઉપાડીને કમાણી કરતા સ્હેજ પણ ખચકાતાં નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે દવા માત્ર ૧૦ રૂપિયામાં બને છે તે દર્દી સુધી પહોંચતાં પહોંચતાં ૧૦૦ રૂપિયા થઈ જાય છે કેમ કે તેમાં ડૉક્ટર સહિત ઘણા બધાને સાચવવાના હોય છે !
ડૉક્ટર અને દવા કંપની વચ્ચે એવી ગજબની સાંઠગાંઠ હોય છે કે દર્દી તેમાં ચીરાયા વગર રહી જ શકતો નથી. ડૉક્ટર પોતાનો ૧૦૦ રૂપિયાથી લઈ ૨૦૦૦ રૂપિયા સુધીનો ક્નસલ્ટીંગ ચાર્જ તો વસૂલ કરે જ છે સાથે સાથે પોતાના સાથે કમીશન નક્કી' કરનારી દવા કંપનીની જ દવા લખી આપે છે જે તમને કાં તો ડૉક્ટરની હોસ્પિટલમાં જ આવેલા મેડિકલ સ્ટોર અથવા તો દવા કંપનીનું જ્યાંસેટિંગ’ ચાલી રહ્યું હોય ત્યાં જ ઉપલબ્ધ બને છે. આ જ ખેલ સમજવા જેવો છે કેમ કે આ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદયા બાદ તેમાંથી અમુક હિસ્સો ડૉક્ટર સુધી પહોંચે છે. આમ ડૉક્ટર દર્દીને બેવડા ફટકા મારીને કમાણી કરી રહ્યા છે.
હવે તમને વિચાર આવશે કે ડૉક્ટર અને દવા કંપની વચ્ચે સાંઠગાંઠ થઈ કેવી રીતે શકે ? આ માટે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ મતલબ કે એમ.આર. `વચેટિયા’ની ભૂમિકા ભજવતા હોય છે. તમે કોઈ પણ મોટા ક્લિનિક અથવા તો હોસ્પિટલમાં જશો એટલે કે ઈસ્ત્રીટાઈટ કપડાં સાથે અપ ટુ ડેટ થયેલા અને હાથમાં એક ફાઈલ લઈને એક નહીં બલ્કે અનેક વ્યક્તિઓ બેઠેલા જોવા મળશે. આ જ વ્યક્તિ ડૉક્ટર અને દવા કંપની વચ્ચે સેતુ બનીને કામ કરે છે અને તેના થકી જ બધા કામ પાર પાડવામાં આવે છે જેના બદલામાં એમ.આર.ને સારો એવી કમાણી પણ થઈ રહી છે. આ બધું વર્ષોથી ચાલ્યું આવે છે પરંતુ કોઈનામાં તાકાત નથી કે તેને બંધ કરાવી શકે કેમ કે સરકાર પણ આ દિશામાં કશું સચોટ કામ કરવાની હિંમત ધરાવતી નથી !!!
કેવી રીતે ચાલે છે કમિશનનો ખેલ ?
ઉદાહરણ તરીકે મુંબઈની કોઈ ફાર્મા કંપની દ્વારા દવા તૈયાર કરવામાં આવ્યા બાદ તે ગુજરાતમાં પોતે બનાવેલા ડેપો ઉપર તેની સપ્લાય કરે છે. મુંબઈથી ગુજરાત સુધી પહોંચવા સુધીમાં દવાના ભાવમાં ૫%નો વધારો થઈ ગયો હોય છે. આ પછી તે ડેપોમાંથી સૌરાષ્ટ્રના હોલસેલર પાસે દવા પહોંચે છે ત્યારે તેમાં ૧૦% વધારો થઈ જાય છે. હોલસેલર પાસેથી મેડિકલ સુધી પહોંચે ત્યારે ભાવમાં ૨૦% વધારો થઈ જાય છે. વળી, જે મેડિકલમાં આ દવા પહોંચી હોય તે મેડિકલ અથવા તો જે તે દવાનું ડૉક્ટર સાથે `ફિક્સિંગ’ થયું હોય તે દવા જ ડૉક્ટર લખી આપે તે માટે તેને ૨૫થી ૪૫% સુધીનું કમીશન કંપની દ્વારા ચૂકવવામાં આવે છે જે સેટિંગ કરવા માટે એમ.આર.મહત્ત્વની ભૂમિકા ભજવતાં હોય છે.
રાજકોટની ૪૫૦થી વધુ હોસ્પિટલો પાસે પોતાના મેડિકલ
રાજકોટમાં અત્યારે ત્રણ હજારથી વધુ ડૉક્ટરો અને એક હજારથી વધુ હોસ્પિટલો કાર્યર છે. જો કે આ પૈકી ૪૫૦થી વધુ હોસ્પિટલો પોતાના મેડિકલ ધરાવે છે. હવે હોસ્પિટલ પાસે પોતાનું જ મેડિકલ હોય એટલે દર્દી ત્યાં સારવાર કરાવવા આવે તો ચીરાયા વગર રહે જ નથી કેમ કે આ હોસ્પિટલના ડૉક્ટર દર્દીને એક `બકરા’ તરીકે જ જોતાં હોય છે. અહીં કોઈ દર્દી આવે એટલે ડૉક્ટર પોતાની હોસ્પિટલના મેડિકલમાં ઉપલબ્ધ હોય તેવી જ દવા લખી આપતાં હોય છે જેથી કરીને મેડિકલનો ધંધો પણ ચાલે અને ડૉક્ટરનું ગજવું પણ ભરાતું રહે…
એમ.આર. અને ડૉક્ટર વચ્ચે થાય છે ત્રણથી ચાર મિટિંગ
કોઈ પણ હોસ્પિટલ કે ક્લિનિક હોય ત્યાં એમ.આર. પહોંચે અને ડૉક્ટર સાથે મિટિંગ કરી પોતાની દવા કેટલી સારી છે તેની વાતચીત કરતાં હોય છે. જો કે પહેલી મિટિંગમાં કશું થતું નથી. ત્યારબાદ બીજી મિટિંગ થાય છે તેમાં પણ રૂટિન વાતચીત જ થાય છે ત્યારબાદ ત્રીજી મિટિંગ થાય છે તેમાં ડૉક્ટર એક પગલું આગળ આવે છે. આ પગલું બીજા કોઈ માટે નહીં બલ્કે કમિશનને લઈને આગળ આવતા હોય છે. આ બેઠકમાં કમિશનની ટકાવારી લગભગ નક્કી થઈ જ જતી હોય છે પરંતુ ઔપચારિક્તા પૂરતી ચોથી મિટિંગ મળે છે તેમાં બધું જ સમુસૂતરું પાર પડી જાય છે.
એમ.આર.ની પણ ગજબ કામગીરી: એક દવાનો એક જ હોસ્પિટલમાં પ્રચાર
ઉદાહરણ તરીકે કોઈ એમ.આર.દ્વારા એ' ટાઈપની દવાનો પ્રચાર કરવા માટે ડૉક્ટર પાસે જાય છે અનેડિલ’ થઈ જાય એટલે પછી એમ.આર.દ્વારા એ' ટાઈપની દવાનો પ્રચાર કે ડિલિંગ બીજા ડૉક્ટર સાથે થતું નથી. આ પછી જે ડૉક્ટર સાથે ડિલિંગ થયું હોય એ ડૉક્ટરના ક્લિનિક અથવા હોસ્પિટલની બાજુમાં જ કોઈ બીજી હોસ્પિટલ કે ડૉક્ટરનું ક્લિનિક ચાલી રહ્યું હોય તો એમ.આર. દ્વારા ત્યાંએ’ નહીં બલ્કે `બી’ ટાઈપની દવાનો પ્રચાર કરવામાં આવે છે. આમ કરીને દરેક પ્રકારની દવા વેચાઈ જાય છે અને સૌનું સચવાઈ જાય છે.
૯૯%થી વધુ દવા હોય છે સેટિંગ'વાળી સત્તાવાર રીતે જાણવા મળેલી વિગતો પ્રમાણે રાજકોટના મેડિકલ સ્ટોર તેમજ ક્લિનિકમાં જેટલી દવા ઉપલબ્ધ તે તેમાંથી ૯૯% દવાસેટિંગ’યુક્ત મતલબ કે ડૉક્ટર સાથે કમિશન નક્કી કરેલી જ હોય છે. હવે કમિશન ચૂકવવામાં આવતું હોવાને કારણે દર્દીઓને દવા મોંઘી જ પડવાની છે.
કઈ દવા ઉપર ખવાય છે કમિશન
- એન્ટાસીટ (ગેસ, એસીડિટી, કબજિયાત સહિતની બીમારી માટે)
- ડાયાબિટિક
- બ્લડપ્રેશર
- એન્ટીબાયોટિક
- મલ્ટીવીટામિન
