કમિશનર જ્યુબિલી માર્કેટમાં ખાતરનું ચેકિંગ કરવા ગયા’ને ધંધાર્થીઓએ કર્યો ફરિયાદનો ઢગલો
થડાં સહિતનું રિપેરિંગ, કલરકામ કરાવવા સહિતની માંગણી કરી તો મ્યુ.કમિશનરે કહ્યું, પહેલાં સફાઈ રાખો, હું ત્રણેક વખત ચેકિંગ કરીશ પછી વાત આગળ વધશે !
દરેક હોકર્સ ઝોનમાં સફાઈ માટે કમિટીની રચના, ગંદકી ફેલાવનાર થડાંધારકનું લાયસન્સ કાયમી રદ્દ સહિતના નિયમો હવામાં ઓગળી ગયા
મહિલાઓ તેમજ પુરુષો શાકભાજીની ખરીદી જ્યાંથી સૌથી વધુ કરવાનો આગ્રહ રાખે છે તે જ્યુબિલી શાક માર્કેટમાં ઘણા વર્ષોથી મહાપાલિકા દ્વારા એજન્સીને કામ સોંપીને કચરામાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ કાર્યરત કરાયો છે. આ પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે તે સહિતની જાણકારી મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જો કે આ સમયે ત્યાંના ધંધાર્થીઓ દ્વારા તેમને નડતી ફરિયાદોનો ઢગલો કરી દેવાતાં પ્લાન્ટની વાત સાઈડમાં રહી ગઈ હતી અને મ્યુનિસિપલ કમિશનરે ધંધાર્થીઓને વિસ્તૃત `સમજણ’ આપવી પડી હતી !
ધંધાર્થીઓ દ્વારા મ્યુ.કમિશનરને ફરિયાદ કરાઈ હતી કે અનેક થડાં ખરાબ હાલતમાં હોવાથી તેનું રિપેરિંગ કરાવવું જરૂરી છે. આ ઉપરાંત શાકમાર્કેટમાં યોગ્ય રીતે કલરકામ કરવામાં આવે તો લોકોને અહીં આવવા માટે વિચાર કરવો ન પડે. આ સહિતની ફરિયાદો સાંભળ્યા બાદ મ્યુનિ.કમિશનર દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું હતું કે પહેલાં દરેક થડાં બહાર સફાઈ રાખવી જરૂરી બની જાય છે. આ માટે હું બેથી ત્રણ વખત ચેકિંગ કરીશ અને જો બધું ઠીક લાગશે તો જ વાત આગળ વધશે.
દરમિયાન મ્યુ.કમિશનર દ્વારા જ્યુબિલી શાક માર્કેટમાં કાર્યરત પ્લાન્ટની મુલાકાત લઈને ખાતર બનાવવાની માહિતી એકઠી કરવામાં આવી હતી. આ પ્લાન્ટની ક્ષમતા પાંચ ટન વેજિટેબલ કચરામાંથી ખાતર બનાવવાની છે. અહીં જ્યુબિલી શાક માર્કેટ ઉપરાંત ફ્રૂટ માર્કેટ અને હોકર્સ ઝોનમાંથી વેજિટેબલ વેસ્ટ મોકલવામાં આવે છે અને તેમાંથી ઉત્પન્ન થનારું ખાતર એક્સેલ એજન્સી દ્વારા ખેડૂતોને વેચવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલિન મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા દરેક હોકર્સ ઝોનમાં સફાઈ માટે કમિટીની રચના, જ્યુબિલી સહિતની શાક માર્કેટમાં ગંદકી ફેલાવનાર થડાંધારકનું લાયસન્સ કાયમી રદ્દ કરી નાખવા સહિતના નિયમો બનાવવામાં આવ્યા હતા પરંતુ આ સઘળી વાતો નવા કમિશનર આવ્યા એટલે હવામાં ઓગળી ગઈ હોવાનું લાગી રહ્યું છે કેમ કે ન તો કમિટી બની કે ન તો ગંદકી ફેલાવનાર કોઈ થડાંધારકનું લાયસન્સ રદ્દ કરાયું…!