રાજકોટમાં રાંધણ ગેસનો થઈ રહેલો કોમર્શિયલ ઉપયોગ
પાઇપલાઇનથી ગેસ જોડાણ મેળવનાર હજારો ગ્રાહકોના સિલિન્ડર હજુ ગેસ એજન્સીમાં જમા થયા ન હોવાથી દૂર ઉપયોગની આશંકા
કેટલાક ફરસાણના ધંધાર્થીઓ તેમજ ફાસ્ટ ફૂડ, ખાણીપીણી, અમુક હોટલ રેસ્ટોરન્ટ મીઠાઈ અને દૂધની ડેરી ચલાવતા ધંધાર્થીઓ રાંધણ ગેસનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય મહિનાઓથી રાંધણ ગેસનો કોમર્શિયલ ઉપયોગ થઈ થયો છે બીજી તરફ રાજકોટ શહેરમાં 25% ગ્રાહકો એવા છે કે જે લોકોએ જીએસપીસીમાંથી ગેસ કનેક્શન કે જોડાણ હજુ સુધી મેળવ્યું નથી. રાજકોટ શહેરના 70% થી વધુ લોકો પાઇપલાઇનથી ગેસ મેળવે છે. આવા ગ્રાહકોના નામે હજુ પણ અમુક ગેસ એજન્સીઓમાં રેકર્ડ ઉપર કનેક્શન બોલતા હોય છે તેનો પણ ક્યારેક દૂર ઉપયોગ થતો હોવાની શંકા પ્રબળ બની રહી છે. જે બાબતે ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ વધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાંધણ ગેસના સિલિન્ડરની મૂળ કિંમત ઉપર રૂ.200 થી 300 વધારે પડાવી શહેરની અમુક ચોક્કસ ગેસ એજન્સીઓના કેટલાક ડિલિવરી મેન સંચાલકને અંધારામાં રાખી રિફિલિંગ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.દરમિયાન અમુક વિસ્તારમાં કેટલાક ચોક્કસ ડિલિવરી મેન લોકોની અવર-જવર ન હોય તેવા એકાંત વિસ્તારમાં વાહનની અંદર ગેસ રીફીલીંગની પ્રવૃત્તિઓ કરી રહ્યા હોવાની અગાઉ પણ ફરિયાદ ગ્રાહક સુરક્ષા સુધી પહોંચી હતી. જોકે તત્કાલીન કલેકટરના કાર્યકાળમાં જંગલેશ્વર ખાતે એક ગોડાઉન માંથી 75 કરતા પણ વધુ ગેસના ખાલી તેમ જ ભરેલા સિલિન્ડરો પુરવઠા તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા.
સમગ્ર પ્રકરણ કલેકટરની બદલી થઈ જતા અભેરાઈ ઉપર ચડી ગયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. શહેરના અમુક ફરસાણના તેમ જ મીઠાઈ અને ડેરી સાથે સંકળાયેલા ચોક્કસ ધંધાથીઓ આ ઉપરાંત ખાણીપીણીની રેકડી, કેબીનો કે ગલ્લા રાખીને ફાસ્ટ ફૂડ ઢોસા ઈડલી બનાવતા લોકો પણ રાંધણ ગેસનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ અવારનવાર તંત્રને મળતી હોય છે પરંતુ તે દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજકોટ શહેરમાં તેમજ સૌરાષ્ટ્રમાં કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો મોટાભાગે રેસ્ટોરન્ટ કે ફરસાણના ધંધાર્થીઓ કરતા હોવાનું બહાર આવ્યું છે. આવા રાંધણ ગેસના સિલિન્ડર ચોક્કસ ડિલિવરમેનપાસેથી કાળા બજારમાં કે મૂળ કિંમત કરતા રૂ.200 થી 300 રૂપિયા વધુ આપી મેળવતા હોય છે.
પુરવઠા તંત્ર આવશ્યક ચીજ વસ્તુ ધારાના કાયદાનો ઉપયોગ કરી શકે કે કેમ?
કેન્દ્ર સરકારે ખાદ્યતેલથી માંડી અનાજ, કઠોળ સહિતના અનેક જથ્થાબંધ વેપારીઓ સામેની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત અગાઉ અમલમાં હતો તે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમન અંતર્ગત કાયદાનો અમલ રદ કરી દેતા હવે તે બુઠ્ઠો પુરવાર થઈ ગયો હોય તેવો માહોલ ધંધાર્થીઓમાં સર્જાયો છે. પુરવઠા તંત્ર આવા કાયદાનો ઉપયોગ ક્યારે કરી શકે? તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.
પાઇપ લાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોના સિલિન્ડરનું શું?: તંત્ર પાસે રેકર્ડ જ નથી!
સામાન્ય રીતે પાઇપલાઇન થી ગેસ મેળવતા લોકોના ગેસ સિલિન્ડર રદ કરવા માટે અગાઉ મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી હતી અને આવા ગેસ જોડાણ મેળવનારના સિલિન્ડરો ગેસ એજન્સીઓ દ્વારા કબ્જે લેવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે લોકોને પાઇપલાઇનથી નવા ગેસ જોડાણ મંજુર થયા છે તેવા ગ્રાહકોના નામે ગેસ એજન્સીઓમાં હજુ પણ રેકોર્ડ ઉપર ગેસ જોડાણ શરૂ હોય તેવી ફરિયાદ ઉઠી છે. તંત્ર દ્વારા કે જી.એસ.પી.સી તરફથી આવા ગેસ કનેક્શનનું વેરીફિકેશન કરી તેને રદ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગ્રાહકના નામના ગેસ જોડાણનો દૂર ઉપયોગ વધી રહ્યો છે અને આવા રાંધણ ગેસના સિલિન્ડર ફરસાણના તેમ જ ફાસ્ટ ફૂડ ના ધંધાથીઓ તેનો કાળા બજારમાં મેળવી દૂર ઉપયોગ કરતા હોય છે.
રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ રૂ.908 અને કોમર્શિયલના રૂ.1545
રાંધણ ગેસના સિલિન્ડરનો બે રોકટોક કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે જે લોકોને પાઇપલાઇન થી ગેસ મળે છે તેવા હજારો ગ્રાહકોએ કોઈ કારણોસર સિલિન્ડર ગેસ એજન્સીમાં જમા કરાવ્યા નથી. અમુક લોકોને ત્યાં આવા સિલિન્ડર કાટ ખાઈ રહ્યા છે. બીજી તરફ રાંધણ ગેસ સિલિન્ડર કોમર્શિયલની સરખામણીએ મોંઘો પડતો હોય ધંધાર્થીઓ તેમજ કેટલાક સોની બજારના કારીગરો વિગેરે ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. આવા રાંધણ ગેસ ગ્રાહકોના નામે રેકોર્ડ ઉપર બોલતા હોય છે બીજી તરફ સિલિન્ડર કોમર્શિયલ ગેસની સરખામણીએ મોંઘો પડે છે જેમાં હાલ રાંધણ ગેસના સિલિન્ડરમાં 14.2 કિલો ગેસ આવે છે અને તેનો ભાવ રૂ.908 છે. જ્યારેકોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.1,545 છે અને 19 કિલો ગેસ આવે છે.