કોટેચા ચોકમાં ફ્લેમિંગો પાસેનું ડિવાઇડર તોડવાનું શરૂ: લોકોને મળશે `રાહત’
સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય શો-રૂમ દુકાનોમાં જનારા લોકોએ હવે સર્કલ સુધી લાંબું થવું પડશે નહીં
સમસ્યા હળવી કરવા તાત્કાલિક ડિવાઈડર હટાવવાનો પોલીસે `મત’ આપતાં જ કાર્યવાહી શરૂ
પ્રજાનો અવાજ' બહેરા તંત્રના કાન સુધી પહોંચાડી સમસ્યાનું નિરાકરણ લાવવાની ઉમદા નેમ સાથે
વોઈસ ઓફ ડે’ દ્વારા કોટેચા ચોકમાં સર્જાતાં ટ્રાફિક ટેરર' સામે ઝુંબેશ ઉઠાવી તંત્રનો કાન આમળ્યો હતો. આ અવાજના પડઘા સ્વરૂપે મહાપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ખાસ કરીને કોટેચા ચોકનું સર્કલ કે જ્યાં મીગ વિમાન મુકવામાં આવ્યું છે તેની બાજુમાં જ ફ્લેમિંગોનું સ્ટેચ્યુ છે ત્યાં એક ડિવાઈડર મુકી દેવામાં આવ્યું હતું જેના કારણે લોકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોવાથી આ મુદ્દે તંત્રનું ધ્યાન દોરવામાં આવતાં જ આ ડિવાઈડર દૂર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.મહિલા કોલેજ અન્ડરબ્રિજથી કોઈ વ્યક્તિને સ્વામિનારાયણ મંદિર કે એ લાઈનમાં આવેલી દુકાન કે શો-રૂમમાં જવું હોય તો ફરજિયાત પણે કોટેચા ચોક સર્કલ સુધી લાંબું થવું પડતું. આ કારણથી સર્કલ પાસે દરરોજ વાહનોના ખડકલા થયે જ રાખતા હતા અને લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા હતા.
હવે સર્કલની બાજુમાં જ ફ્લેમિંગો સ્ટેચ્યુની નજીક મુકાયેલું ડિવાઈડર તોડવાનું શરૂ કરવામાં આવ્યું હોવાથી લોકો સરળતાથી આ ડિવાઈડરની જગ્યામાંથી પસાર થઈને સ્વામિનારાયણ મંદિરવાળા રોડ પર જઈ શકશે. કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે
વોઈસ ઓફ ડે’ દ્વારા વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા જે પૈકીનું આ સુચન પણ સમાવિષ્ટ હતું જેનો અમલ તંત્ર દ્વારા શરૂ કરી દેવાયો છે. આ અંગે રોડ સેફ્ટી એન્જિનિયરિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં સમસ્યા હળવી કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવતાં બેઠકમાં સામેલ ધારાસભ્ય દ્વારા ડિવાઈડર દૂર કરવાનું કહેવાયું હતું. આ પછી પોલીસે આ ડિવાઈડર દૂર કરવા મહાપાલિકાને લેખિતમાં પત્ર લખવામાં આવતાં તેના આધારે ડિવાઈડર તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે જે કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
ટૂંક સમયમાં જ સર્કલ નાનું કરવાની દિશામાં કાર્યવાહી કરાશે: મ્યુનિસિપલ કમિશનર
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ફ્લેમિંગોની બાજુનું ડિવાઈડર તોડવામાં આવી રહ્યું છે જેના કારણે લોકોને ઘણી રાહત મળશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં જ કોટેચા ચોક સર્કલ નાનું કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે એજન્સી દ્વારા મહાપાલિકાને રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે અને તેના પર કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે.