ભૂ-માફિયાઓ સામે આજે કલેકટર સકંજો કસશે: લેન્ડ ગેબીંગની બેઠકમાં 39 કેસ મુકાશે
લાંબા સમયથી પેન્ડિંગ જમીન કૌભાંડના કેસોને પ્રાયોરિટી: સરકારી જમીન ઉપર દબાણ કે ખાનગી જમીન હડપ કરનાર સામે તંત્રની તવાઈ
કલેકટર કચેરીમાં બપોર બાદ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત મૂકવામાં આવેલા કેસોમાં તમામ પુરાવા ધ્યાને લેવાશે, પોલીસ કમિશનર, એસ.પી.,ડીડીઓ, પ્રાંત અધિકારી ઉપસ્થિત રહેશે
રાજકોટ શહેર- જિલ્લામાં સરકારી તેમજ ખાનગી જમીનો ઉપર ભૂ-માફિયાઓ “સબ ભૂમિ ગોપાલ કી” સમજી તેને હડપ કરવા માટે કારસો રચતા હોય છે. પ્રારંભે વંડો અથવા કાચા મકાન, ગેરેજ, કેબિન મૂકી દિન પ્રતિદિન આવી જમીન ઉપર સંપૂર્ણ કબ્જો જમાવી દેતા હોવાની ફરિયાદ અવારનવાર કલેકટર સુધી પહોંચે છે. રાજ્ય સરકારે લેન્ડ વેબિંગ એક્ટનો કાયદો અમલી બનાવ્યો ત્યારથી જ ભૂ-માફિયાઓની મેલી મુરાદ બર આવી નથી, પરંતુ જુના કૌભાંડો બહાર આવી રહ્યા છે. 15 દિવસમાં કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ ની બેઠક બોલાવી તેમાં મૂકવામાં આવેલા કેશોની સમીક્ષા કરી તમામ પુરાવાને ધ્યાનમાં રાખી ફરિયાદનો આદેશ આપે છે.
આજે મંગળવારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે. જેમાં જુના કેસો જે પેન્ડિંગ છે તેવા તેમજ નવા કેસો મળી 39 કેસ મૂકવામાં આવશે. ગત બેઠકમાં રાજકોટ શહેરના ચાર અને ગ્રામ્ય વિસ્તારના ચાર કેસોની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી અને આઠ કેસ પૈકી બે કેસમાં સરકારી જમીન ઉપર દબાણ હોવાનું બહાર આવ્યું હતું. કલેક્ટર પ્રભવ જોશી દ્વારા લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને જ કાર્યવાહી કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. સાથોસાથ તમામ કેસ કમિટીની અંદર કે જેમાં પોલીસ કમિશનર, એસ.પી. ડીડીઓ, પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હોય છે ત્યારે તેમાં સમીક્ષા કરવામાં આવે છે.
સરકારી જમીનમાં સૌથી વધુ દબાણ શાપર-વેરાવળ, કોઠારીયા અનેવાવડીમાં રાજકોટ શહેરના છેવાડે આવેલા શાપર વેરાવળ ઉપરાંત વાવડી, કોઠારીયા કુવાડવા,માધાપર સહિતના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી દબાણ ખડકાયેલું છે તેમાં મોટાભાગે કોમર્શિયલ દબાણ વધુ છે શાપર-વેરાવળમાં ઔદ્યોગિક દબાણ હોવાની વિગતો બહાર આવી છે. જેમાં સરકારી જમીન ઉપર શેડ ખડકાઈ ગયા છે બીજી તરફ વાવડી અને કોઠારીયામાં ભ-માફિયાઓને દબાણ સ્વૈચ્છિક દૂર કરવા કલેક્ટર તંત્ર તરફથી તાકીદ કરી નોટિસ પણ ફટકાવવામાં આવી છે છતાં હજુ સુધી દબાણ દૂર થયું નથી.