રહેણાંકની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરનારા ઉપર તૂટી પડવા આદેશ
ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટરના આદેશથી ધડાધડ નોટિસો : શહેરમાં 138 અસામીઓને નોટિસ
રાજકોટ : રાજકોટમાં રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ જમીન ઉપર ધમધમતા ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા જિલ્લા કલેકટર તંત્રએ શહેર અને જિલ્લામાં રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ હોય અને આવી જમીનનો કોમર્શિયલ ઉપયોગ થતો હોય તેવા કિસ્સામાં વીણી વીણીને પગલાં ભરવા આદેશ આપતા રાજકોટ શહેરના ચારેય મામલતદારોએ તલાટી સહિતની ટીમોને મેદાને ઉતારી આવા 138 કિસ્સામાં નોટિસો ફટકારી શરતભંગ સબબ કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, રાજકોટમાં અનેક શાળા, ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ સહિતના વ્યવસાયો રહેણાંક હેતુમાં જ ધમધમતા હોય જિલ્લા કલેકટરની આ કાર્યવાહીમાં અનેક મોટા માથાઓ ઝપટે ચડી જશે.
રાજકોટ શહેરના નાનામવા સર્વે નંબર 49ની રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ જમીનમાં ઉભા થઈ ગયેલા ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા આગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા બાદ જિલ્લા કલેકટરે તમામ મામલતદારોને રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલા જમીનમાં કોમર્શિયલ પ્રવૃતિઓ થતી હોય તેવા તમામ કિસ્સામાં શરતભંગના પગલાં ભરવા આદેશ કરતા રાજકોટ શહેરમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને તાલુકા મામલતદાર કચેરીએ તલાટીઓને સર્વે માટે દોડાવી પ્રાથમિક સર્વે બાદ ધડાધડ 138 અસામીઓને શરતભંગ સબબ નોટિસો ફટકારી શરતભંગ અંગેની દરખાસ્ત તૈયાર કરી લીધી છે.
બીજી તરફ રાજકોટ શહેરના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં મોટાપ્રમાણમાં રહેણાંક હેતુની જમીનમાં કોમર્શિયલ બાંધકામ તેમજ ગેમઝોન જેવા ધંધાદારી ઉપયોગ થતા હોવાનું સામે આવ્યું છે અને હાલમાં મામલતદારોની નોટિસને પગલે જમીન માલિકો દોડતા થયા છે ત્યારે આગામી દિવસોમાં શરતભંગ મામલે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આવા અસામીઓને મોટા દંડ ફટકારવામાં આવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.
