સીએમ આજે રાજકોટમાં ખેલ મહાકુંભ 3.0નો કરાવશે પ્રારંભ, વાળુ કરી ગાંધીનગર જશે
સાંજે 4 વાગ્યે પ્રાસલા જશે, 5.30 ખેલ મહાકુંભનો 3.0નો પ્રારંભ કરાવી ચેમ્બરના સ્નેહમિલનમાં જશે. ડાયરાની મોજ પણ માણશે
રાજકોટ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલઆજે બપોર બાદ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, બપોરે 3 વાગ્યે રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે આગમન બાદ સીધા જ હેલીકૉપટરમાં પ્રાસલા રાષ્ટ્રકથામાં સામેલ થઇ પરત રાજકોટ આવી ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવશે. બાદમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં હાજરી આપી અન્ય ચાર કાર્યક્રમમાં પણ હાજર રહેશે. સાથે જ રાજકોટમાં જ વાળુપાણી કરી ડાયરાની મોજ માણી રાત્રે 10 વાગ્યા બાદ ગાંધીનગર રવાના થશે.
રાજકોટ ખાતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લઈ રિહર્સલ પણ કર્યું હતું. આજે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી અમદાવાદથી સ્ટેટ એરક્રાફ્ટ મારફતે હિરાસર એરપોર્ટ ખાતે આવ્યા બાદ ત્યાંથી સીધા જ હેલીકોપટરમાં પ્રાસલા રાષ્ટ્રકથામાં હાજરી આપવા જશે. પ્રાસલા ખાતે મુખ્યમંત્રીનું અંદાજે 45 મિનિટ જેટલું રોકાણ કર્યા બાદ હેલીકૉપટર મારફતે રાજકોટ જુના એરપોર્ટ ખાતે આવશે જ્યાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતેથી ખેલમહાકુંભ 3.0નો શુભારંભ કરાવી ખેલ મહાકુંભ 2.0ના વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરશે.
રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યા બાદ રૈયા રોડ સ્થિત ધીરગુરુ મેડિકલ કોમ્પ્લેક્સ ખાતે પશુઓ માટેની હાઇડ્રોલિક એમ્બ્યુલન્સનું ઉદઘાટન કરી બાદમાં કાલાવડ રોડ ખાતે રોયલ સેફ્રોન પાર્ટીપ્લોટમાં ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં હાજરી આપશે. જે બાદ રાત્રે 8 કલાકે પંચવટી સોસાયટી કાલાવડ રોડ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી નાનમવા ખાતે આવેલ રાજ રેસિડેન્સીમાં ભોજન લેશે અને ત્યાંથી રાત્રે સ્વ નવ વાગ્યે સત્યસાંઈ રોડ ઉપર આલાપ હેરિટેજ નજીક એક લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપી હિરાસર એરપોર્ટ ખાતેથી ગાંધીનગર જવા રવાના થશે.