ડોક્ટર વિના રાજકોટ સિવિલ હોસ્પિટલ વિધવા : દર્દીઓ બન્યા લાવારીસ
સુપર સ્પેશિયાલિસ્ટ વોર્ડના અનેક વિભાગોમાં તબીબોની અછત : સરકારના વેતન વધારવાના નિર્ણય બાદ પણ તબીબોની પૂરતી ઉપલબ્ધિ નહીં : સારવાર માટે દર્દીઓને ધર્મના ધક્કા : માત્ર પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં જ પૂરતી તબીબોની સંખ્યા
રાજકોટ સહીત સૌરાષ્ટ્રના દર્દીઓ માટે હૃદય સમાન સિવિલ હોસ્પિટલમાં એક દિવસની અંદર હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.ત્યારે આ સિવિલ હોસ્પિટલની પી.એમ.એસ.એસ.વાય બિલ્ડિંગ કે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ વોર્ડ તરીકે ઓળખાય છે,જેમાં તંત્ર દ્વારા ન્યુરોલોજી,પ્લાસ્ટિક સર્જરી,એન્ડોગ્રાફી,ગેસ્ટ્રોલોજી,યુરોલોજીસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ સહીતની સારવાર તો ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી.પરંતુ તેમાં જ્યાં સુધી પૂરતા તબીબો ન આવે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ કેવી રીતે બની શકે અને તબીબો ન હોવાથી દર્દીઓને ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે.અને ન છૂટકે દર્દીઓને અમદાવાદ રિફર કરવામાં આવે છે.
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખાનગી પ્રેક્ટિસ કરતાં તબીબોને મળતું વેતન વધારીને 1.30 લાખ કરી દેવામાં આવ્યું છે.ઉપરાંત તેમના દ્વારા કોઈ ઓપરેશન કરવામાં આવે તો તેમાંથી પણ 50 ટકાની રકમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેથી રાજ્યની હોસ્પિટલોમાં હવે સુપર સ્પેશિયાલિસ્ટ વોર્ડના તબીબોનો વધારો થવો જોઈએ પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ વોર્ડ હવે માત્ર નામનો જ રહ્યો હોય તેવું માલૂમ પડી રહ્યું છે.તેનું કારણ છે કે, હોસ્પિટલના અનેક વોર્ડમાં કોન્ટ્રાક્ટ બેઝ તબીબોની હજુ સુધી ભરતી કરવામાં જ આવી નથી અને જે તબીબોની ભરતી કરીને ફરજ પર રાખવામાં આવ્યા છે. તેમને અધિકારીઓ દ્વારા પૂરતા સાધનો આપવામાં ન આવતા તેમના દ્વારા રાજીનામાં પણ આપવામાં આવ્યા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો પી.એમ.એસ.એસ.વાય બિલ્ડિંગમાં હાલ ન્યુરોલોજી,પ્લાસ્ટિક સર્જરી,એન્ડોગ્રાફી,ગેસ્ટ્રોલોજી,યુરોલોજીસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ સહીતના વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે.પરતું આ વોર્ડમાંથી માત્ર બેથી ત્રણ વોડમાં જ તબીબોની પૂરતી સંખ્યા છે.અને ગેસ્ટ્રોલોજી વિભાગમાં તો હાલ એક પણ તબીબ છે જ નહીં.જેથી પેટને લગતા રોગની કોઈ દર્દી સારવાર કરાવવા માટે આવે તો તેને ખાનગી હોસ્પિટલ કે અમદાવાદ રિફર કરવામાં આવે છે. જ્યારે ન્યુરોલોજી વિભાગમાં પણ માત્ર એક જ તબીબ છે.જ્યારે અગાઉ બે તબીબો દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા હતા.અને ત્યાંર બાદ હજુ સુધી કોઈ તબીબોને ફરજ પર રાખવામાં આવ્યા નથી.હાલ માત્ર પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં જ પૂરતા તબીબો હાજર છે.જેથી સિવિલ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ માત્ર નામની જ રહી છે.
ગેસ્ટ્રોલોજી વિભાગમાં એક પણ તબીબ નહીં
કોઈ પણ દર્દીને પેટને લગતી બીમારી હોય તો તેને ગેસ્ટ્રોલોજી પાસે સારવાર કરાવવી અનિવાર્ય બને છે.ત્યારે સૌરાષ્ટ્રના કેન્દ્રબિંદુ સમાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હાલ એક પણ ગેસ્ટ્રોલોજી તબીબ છે જ નહીં.અગાઉ એક તબીબ સારવાર કરવા માટે આવતા હતા.પંરતુ તેમણે અંગત કારણોસર રાજીનામું આપી દેતા હવે ગેસ્ટ્રોલોજી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ધક્કા ખાવા પડે છે.
ન્યૂરોલોજીસ્ટ પણ હોસ્પિટલ પાસે માત્ર એક જ
સિવિલ હોસ્પિટલમાં હાલ ન્યૂરો સર્જનની અછત હોવા મળી રહી છે.હોસ્પિટલ પાસે હાલ માત્ર એક જ ન્યૂરો સર્જનની ઉપલ્બધી છે.જેના કારણે દર્દીઓને કલાકો સુધી લાઈનોમાં બેસવું પડે છે.અને સપ્તાહમાં માત્ર બે જ દિવસ સારવાર આપવામાં આવે છે.અગાઉ ન્યૂરો સર્જન અંકુર પાંચાણી દ્વારા રાજીનામું આપી દેવાયા બાદ હોસ્પિટલ દ્વારા એક પણ તબીબોની ભરતી કરવામાં આવી ન હતી.જેથી હજુ સુધી હેરાન તો દર્દીઓને જ થવું પડે છે.