સિટી બસના રૂટની સમીક્ષા થશે: નવી ૧૦૦ બસ આવશે
ખોટ ખાતાં રૂટ ઉપર બસની સંખ્યા ઘટાડી જ્યાં વધુ ટ્રાફિક રહેતો હોય ત્યાં વધારો કરાશે
એઈમ્સ સુધી જવા માટે બસની સંખ્યામાં વધારો કરાશે: કોર્પોરેટરોના સુચનો પણ મેળવાશે
રાજકોટના લોકો સિટી બસમાં વધુમાં વધુ મુસાફરી કરે તે માટે મહાપાલિકા દ્વારા અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. બીજી બાજુ અત્યારે ૧૦૧ જેટલી બસનો શહેરીજનો લાભ પણ લઈ રહ્યા છે. જો કે અનેક રૂટ એવા પણ છે જ્યાં ગણ્યાગાંઠ્યા જ મુસાફરો મળતા હોવા છતાં ખોટ ખાઈને તે રૂટ ઉપર બસ દોડાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ હવે મહાપાલિકા દ્વારા તમામ રૂટની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા આવનારા દિવસોમાં રાજકોટને વધુ ૧૦૦ નવી બસ ફાળવવામાં આવનાર હોવાની જાહેરાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવી છે.
જયમીન ઠાકરે જણાવ્યું કે ખોટ ખાતાં રૂટ ઉપર બસની સંખ્યા ઘટાડવામાં આવશે. આ જ રીતે એવું પણ ધ્યાન પર આવ્યું છે કે અનેક રૂટ કે જ્યાં ટ્રાફિક વધુ રહે છે છતાં બસની સંખ્યા મર્યાદિત હોય છે જ્યાં બસ વધારવામાં આવશે જેથી કરીને લોકોને ઘેટાં-બકરાંની જેમ બસમાં મુસાફરી કરવી ન પડે. ખાસ કરીને જે રૂટ ઉપર બસને મુસાફર નથી મળતાં તે રૂટને બંધ પણ કરવામાં આવશે.
તેમણે એવું પણ જણાવ્યું કે એઈમ્સ હોસ્પિટલ તરફ જવા માટે લોકોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો હોવાથી ત્યાં જવા માટે બસની સંખ્યામાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત દરેક વોર્ડના કોર્પોરેટરોના સુચનો પણ મેળવીને તેના આધારે બસના રૂટમાં ફેરફાર કરવામાં આવશે.
સિનિયર સિટીઝન્સને હવે મફતમાં આજીવન પાસ અપાશે
જયમીન ઠાકર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લઈને સીનિયર સિટીઝન્સને હવેથી ત્રણ વર્ષની જગ્યાએ આજીવન સિટી બસમાં મુસાફરી કરવાનો ફ્રી પાસ ઈશ્યુ કરવામાં આવશે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટ અંતર્ગત લેવાયેલા નિર્ણયને ધ્યાનમાં રાખી ફ્રી બસ મુસાફરી યોજનામાં દિવ્યાંગો (૨૧ કેટેગરી) પૈકી હવેથી ખાસ ૧૪ કેટેગરીમાં સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિ સહિત મુસાફરી દરમિયાન સાથે રહેનાર સહાયકને પણ વિનામૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવશે.