ચિકનગુનિયાનો રાફડો ફાટ્યો પણ મનપા જાહેર કરે છે એકાદ-બે કેસ !
સાત દિ’માં ડેંગ્યુના ૧૬, ચિકનગુનિયાના માત્ર બે જ દર્દી ચોપડે નોંધાયા
રાજકોટમાં રોગચાળાની વાસ્તવિક સ્થિતિ જાહેર કરવાની મહાપાલિકામાં હવે તો હિંમત જ રહી ન હોય તેવી રીતે જેટલા આંકડા જાહેર કરાય છે એના કરતા બમણા અથવા તો તેનાથી પણ વધુ કેસ છુપાવવામાં આવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. શહેરમાં અત્યારે ચિકનગુનિયાના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે આમ છતાં મહાપાલિકા દ્વારા માત્ર એકાદ-બે કેસ જાહેર કરવાની તસ્દી જ લેવામાં આવી રહી છે. આવું જ કંઈક સાપ્તાહિક રોગચાળાના રિપોર્ટમાં જોવા મળ્યું છે જેમાં તંત્રના ચોપડે ચિકનગુનિયાના માત્ર બે જ દર્દી નોંધાયા છે જે વાસ્તવિકતાથી ઘણા વિપરિત છે !
આરોગ્ય શાખા દ્વારા તા.૪-૧૧-૨૦૨૪થી તા.૧૦-૧૧-૨૦૨૪ના રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે પ્રમાણે મેલેરિયાનો એક (વર્ષના ૩૫), ડેંગ્યુના ૧૬ (વર્ષના ૩૪૭) અને ચિકનગુનિયાના ૨ (વર્ષના ૩૩) દર્દી નોંધાયા છે.
આ ઉપરાંત શરદી-ઉધરસના ૧૨૮૬, સામાન્ય તાવના ૧૦૪૫, ઝાડા-ઊલટીના ૧૯૫ અને ટાઈફોઈડના બે દર્દી નોંધાયા હોવાનું જાહેર કરાયું છે.