રાજકોટમાં એમજી હોસ્ટેલ માટે ૨૪૩૦ લાખનું એસ્ટીમેટ મંજુર કરતા મુખ્યમંત્રી
- અનુસૂચિત જાતિના બાળકોના અભ્યાસ માટે રાજય સરકારનો સંવેદનશીલ નિર્ણય : ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેના છાત્રાલયનું બાંધકામ શરૂ કરાશે
રાજકોટ : અનુસૂચિત જાતિના બાળકોના અભ્યાસ માટે રાજય સરકારે સંવેદનશીલ નિર્ણય કરી ખાસ કિસ્સામાં મહાત્મા ગાંધી (એમ.જી.) સરકારી કુમાર છાત્રાલય, રાજકોટના યુનિટ-૧ અને ૨ ના બાંધકામ માટે રૂ.૨૪૩૦.૪૦ લાખના એસ્ટીમેટ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજુર કર્યા છે.
સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ ગણાતા રાજકોટમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આવે છે. રાજકોટમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે હાલ મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલય કાર્યરત છે. જેનું બિલ્ડિંગ જુનું હોવાથી નવું બાંધકામ કરવું અનિવાર્ય હોય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંવેદના દાખવી તાત્કાલિક ધોરણે મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય, રાજકોટના યુનિટ-૧ અને ૨ ના બાંધકામ માટે કુલ રકમ રૂ.૨૪૩૦.૪૦ લાખના એસ્ટીમેટને ખાસ કિસ્સામાં મંજૂરી આપી છે. છાત્રો માટે બન્ને યુનિટ મળી ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા તેમજ અત્યાધુનિક સુવિધા ધરાવતું છાત્રાલયનું કામ શરૂ કરવામાં આવશે.