ચાર્જિંગ ફૂલ ! હવે રાજકોટમાં BRTS રૂટની ઇલેક્ટ્રિક બસ બંબાટ દોડશે
ગોંડલ ચોકડીએ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો શરૂ થતા આજીડેપો સુધી ધક્કો નહીં થાય
રાજકોટ : રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર બીઆરટીસ રૂટમાં દોડતી ઇલકેટ્રીક બસો માટે ગોંડલ ચોકડીએ 180 કિલોવોટનાં પાંચ ચાર્જર સાથેનું ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવતા હવે બીઆરટીએસ રૂટની બસને ચાર્જિંગ માટે આજીડેપો કે અમુલ સર્કલ નહીં જવું પડે અને મુસાફરીની સેવા માટે તમામ બસ નિરંતરપણે દોડતી રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાને કેન્દ્ર સરકાર દ્વારા કુલ 150 ઇલેક્ટ્રિક બસ મંજુર કરી છે જેમાં પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રિક બસ અને બીજા તબક્કામાં 100 ઇલેક્ટ્રિક બસ ફાળવતા અત્યાર સુધીમાં 125 ઇલેક્ટ્રિક બસની ડીલેવરી મળી છે. બીજી તરફ ઈલેક્ટ્રિક બસનાં ચાર્જીંગ માટે અમુલ સર્કલ પર ડેપો કાર્યરત છે જેમાં કુલ 19 ચાર્જરનું ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે.આ ચાર્જરથી નિયત શેડ્યુલ મુજબ હાલનાં તબક્કે અંદાજીત 77 ઇલેક્ટ્રિક બસનું ચાર્જીંગ કરી શકે છે, અને ફાળવણી મુજબની બસ માટે ચાર્જિંગ કરવા કુલ પાંચ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા મહાપાલિકાએ નક્કી કર્યું છે જે અંતર્ગત ગોંડલ ચોકડીએ 5 ચાર્જર સાથેનું ચાર્જિંગ સ્ટેશન સોમવારે શરૂ કરાયું હતું.
નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોંડલ ચોકડી બી.આર.ટી.એસ. બસ સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ માટે બનાવવામાં આવેલ 180 કિલો વોટના કુલ 5 ચાર્જર(4+1 સ્પેર) મુજબ ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ચાર્જીંગ સ્ટેશન ખાતે દૈનિક 25 જેટલી બસનું ચાર્જિંગ કરવામાં આવશે.આ લોકાર્પણ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.12ના કોર્પોરેટર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોપોરેટર ડૉ.પ્રદીપ ડવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.