રૈયા રોડ પર ક્યાંક સેલરને તાળાં, ક્યાંક ખંઢેર હાલત, ક્યાંક તો છે જ નહીં !!
વોઈસ ઓફ ડે'એ આમ્રપાલી બ્રિજથી લઈ રૈયા ચોકડી સુધીના રોડની બન્ને બાજુના ૩૮થી વધુ કોમ્પલેક્સના કરેલા
રિયાલિટી ચેક’માં પાર્કિંગની એક નહીં અનેક સમસ્યાઓ: દુકાનદારોએ કહ્યું, સાંજ પડે એટલે પાંચ મિનિટ માટે પાર્ક કરેલા વાહનો થઈ રહ્યા છે ટોઈંગ
સદ્ગુરુ કોમ્પલેક્સની પાર્કિંગ માટેની જગ્યાનો દરવાજો જ બંધ !! અપૂર્વ કોમ્પલેક્સ પાસે પોતાનું સેલર પરંતુ તેની હાલત જોઈને કોઈ વાહન પાર્ક કરવાની હિંમત ન કરે, ક્રિમ પ્લાઝાએ તો પાર્કિંગ માટે રાખેલી છે `શરત’!

અજય દેવગણ અભિનીત સુપરહિટ ફિલ્મ સિંઘમ'માં એક પોલીસ અધિકારી એવું કહેતાં સાંભળવા મળી રહ્યા છે કે
ડીજી અભી સો રહા હૈ…’ આ ડાયલોગ તેમણે વિલનને અવગણવા માટે બોલ્યો હતો જે એકદમ વ્યાજબી હતો. જો કે રાજકોટની પોલીસ અને મહાપાલિકા એમ બન્ને તંત્રના અધિકારીઓને આ ડાયલોગ બરાબરનો ફિટ બેસતો હોય અને તેઓ સાચે જ સૂતેલા હોય તેવું લોકોને લાગી રહ્યું છે !! આવું લાગવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ટ્રાફિકને લગત અનેક સમસ્યાઓ એવી છે જે આ બન્ને તંત્ર ધારે તો સહેલાઈથી ઉકેલી શકે છે પરંતુ બન્ને તંત્રને લોકો રીબાય તેમાં જ રસ હોય તેવી રીતે કુંભકર્ણની નિદ્રામાં ઉંઘી રહ્યા છે.

ટ્રાફિક સમસ્યાને લઈને લોકોનો અવાજ બની રહેલા વોઈસ ઓફ ડે' દ્વારા સમસ્યાના વધુ એક કારણ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રૈયા રોડ પર કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં પાર્કિંગને લઈને એક નહીં બલ્કે અનેક મુશ્કેલીઓ સામે આવી હતી.
વોઈસ ઓફ ડે’ દ્વારા આમ્રપાલી બ્રિજથી લઈ રૈયા ચોકડી સુધીના રોડની બન્ને બાજુના ૩૮થી વધુ કોમ્પલેક્સનું રિયાલિટી ચેક' કરવામાં આવ્યું હતું જ્યાં અપૂર્વ કોમ્પલેક્સના પાસે પાર્કિંગનું સેલર તો છે પરંતુ તેની ખંઢેર જેવી હાલત જોઈને ત્યાં વાહન પાર્ક કરવાની કોઈ હિંમત કરતું નથી.

એકંદરે અહીં કોઈ ક્યારેય પાર્કિંગ ન કરતું હોવાનું ખુદ દુકાનદારોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ત્યાંથી આગળ જતાં ક્રિમ પ્લાઝા નામનું બિલ્ડિંગ છે પરંતુ તેણે પાર્કિંગ માટે
શરત’ રાખેલી છે જે પ્રમાણે માત્રને માત્ર પ્લાઝામાં ઓફિસ હોય તે જ ત્યાં વાહન પાર્ક કરી શકશે પછી ભલે પાર્કિંગ ખાલી પડ્યું હોય તો પણ શું થયું !! આવી રીતે સદ્ગુરુ નામના કોમ્પલેક્સ પાસે પાર્કિંગની જગ્યા તો છે પરંતુ ત્યાં તાળાં લટકેલા જોવા મળ્યા હતા. એકંદરે પાર્કિંગની એક નહીં બલ્કે અનેક સમસ્યાઓ ઉડીને આંખે વળગી હતી. અલગ-અલગ કોમ્પલેક્સના દુકાનદારોએ કહ્યું કે સાંજ પડે એટલે પાંચ મિનિટ માટે પાર્ક કરાયેલા વાહનો ટોઈંગ થઈ જતા હોવાથી અમારી ઘરાકી ઘટી રહી છે.

દરેક કોમ્પલેક્સે સમજીને જ વિઝિટર પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવી જોઈએ: પરેશ ગજેરા
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટમાં ખાસ કરીને કોમર્શિયલ કોમ્પલેક્સમાં વિઝિટર પાર્કિંગની સમસ્યા જોવા મળી રહી છે એટલા માટે દરેક કોમ્પલેક્સે સમજી-વિચારીને જ વિઝિટર પાર્કિંગની અલગથી વ્યવસ્થા કેવી રીતે કરી શકાય તેનું પ્લાનિંગ કરવું જોઈએ. દરેક કોમ્પલેક્સમાં ઓફિસ માલિકો માટેનું પાર્કિંગ હોય છે જ્યાં તેમનું જ વાહન રાખવાનો આગ્રહ હોવાથી બહારથી આવનારા લોકોને ત્યાં પાર્કિંગ કરવા દેવાતું નથી. જો કે આ નિર્ણય આવકારદાયક પણ છે કેમ કે વિઝિટર પાંચ મિનિટથી લઈ અડધી કલાક સુધી જ કોમ્પલેક્સની મુલાકાતે આવતા હોય છે જ્યારે ઓફિસ માલિકે આખો દિવસ પોતાનું વાહન કોમ્પલેક્સમાં રાખવાનું હોય છે.