કેવડાવાડીમાં ઢોરપકડ પાર્ટી-લોકો વચ્ચે ઢીશુમ ઢીશુમઃ પોલીસ દોડી
રાત્રીના સમયે ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ અને ઢોરના માલિકો વચ્ચે મારામારી થતાં મામલો તંગ
રાજકોટમાં ઢોરની હડફેટે કોઈનું મૃત્યુ ન થાય કે કોઈ ઘાયલ ન થાય તે માટે મહાપાલિકા દ્વારા ઢોરપકડ ઝુંબેશ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે જેના કારણે ક્યાંકને ક્યાંક ઢોરમાલિક અને મનપના સ્ટાફ વચ્ચે મારામારીના દૃશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આવો જ વધુ એક બનાવ કેવડાવાડીમાં નોંધાયો છે. ઢોરપકડ પાર્ટીનો સ્ટાફ કેવડાવાડી વિસ્તારમાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે જ અચાનક સ્થાનિક લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને સ્ટાફ સાથે બોલાચાલી -ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ પછી જોતજોતામાં જ મામલો બચીકવા લાગતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. દરમિયાન મામલો વધુ ન બગડે તે માટે સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે દોડી જઈ સ્થિતિ થાળે પાડી હતી. એક સમયે 150થી વધુ લોકોના ટોળાએ ધસી આવી ઢોર છોડવવા પ્રયાસ પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.