બિલ્ડરો ગામડા દત્તક લઇ સંપૂર્ણ વિકાસ કરે : સી.આર.પાટીલ
ક્રેડાઇ ગુજરાત અને ક્રેડાઇ રાજકોટની એન્યુઅલ જનરલ મીટીંગ યોજાઈ
1999થી કાર્યરત ક્રેડાઈ ઇન્ડિયા સંસ્થાના ક્રેડાઇ ગુજરાત અને ક્રેડાઇ રાજકોટની એન્યુઅલ જનરલ મીટીંગ રાજકોટના આંગણે પ્રથમ વખત જ યોજાઈ હતી જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના 40 શહેરોના બિલ્ડર્સ હાજર રહ્યા હતા. આ તકે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતના બિલ્ડર્સોને શહેરોની સાથે ગામડાઓનો સંપૂર્ણ વિકાસ કરવા ગામડા દત્તક લેવા અપીલ કરવાની સાથે ભવિષ્ય્માં પાણીની ખેંચ ન રહે તે માટે જળસિંચન કરવા પર પણ ભાર મુક્યો હતો.
ક્રેડાઈની એજીએમ બાદ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે, સી.આર.પાટીલે બિલ્ડર્સ લોબીને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે લોકોનું ઘર આપવાનું કામ આ એસોસિયેશન કરી રહ્યું છે. દરેક બિલ્ડર કમ સે કમ 500થી વધુ પરિવારોને રોજીરોટી કમાવવા માધ્યમ બન્યું છે ત્યારે બિલ્ડર્સ જળ સંચય, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, બોર રિચાર્જ, નવા તળાવ અને ચેક ડેમ બનાવવા જેવા પ્રોજેક્ટની સાથે ગામડા દત્તક લઈ ગામડાઓનો સંપૂર્ણ વિકાસ કરવા બિલ્ડર લોબી આગળ આવે તેવી અપીલ કરી હતી.
ક્રેડાઈની એજીએમની શરૂઆતમાં ટીઆરપી ગેમઝોનમાં અવસાન પામેલા દિવાંગતોને શ્રધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ક્રેડાઈ ગુજરાતની મીટીંગમાં ગાંધીનગર, સેલવાસ, જલગાંવ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા સહિતના 40 થી વધુ શહેરોના બિલ્ડર્સ હાજર રહ્યા હતા.આ મિટિંગમાં આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈને કઈ કઈ રજૂઆતો કરવાની છે તે અગં પરામર્શ કરવામાં આવ્યો હતો. સાથે જ રાજકોટ શહેરમાં વિકાસની ગતિને તેજ બનાવવા માટે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનની એન્યુઅલ જનરલ મીટીંગમાં ગહન ચર્ચા થઇ હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમ પાલા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ બિલ્ડર એસોશિએશનમાં નવા હોદેદારોની વરણી
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની એજીએમમાં ચેરમેન પદે અમિતભાઇ ત્રાંબડીયા, યુથ વિંગ પ્રમુખ તરીકે ઋષિત ગોવાણી, જોઇન્ટ સેક્રેટરી પદે સંદીપભાઇ સાવલિયા અને ટ્રેઝરર તરીકે રાજદિપસિંહ જાડેજાની નિયુકિત કરવામાં આવી હતી તેમજ રણધીરસિંહ જાડેજા (અલય ગ્રુપ), ચેતન રોકડ અને હાર્દિક શેઠનો બોર્ડ મેમ્બર તરીકે સમાવેશ કરાયો હતો. ઉપરાંત ઇન્વાઈટી બોર્ડ મેમ્બર તરીકે ઋષીત ગોવાણી, આદિત્ય લાખાણી, ગોપી પટેલ, પૃથ્વીરાજસિંહ રાણા, રાજેન્દ્ર સોનવાણી, પાર્થ તળાવિયા, દિવ્ય પટેલ, ચિરાગ લાખાણી, કિશન કોટેચાની નિમણુકં કરાઇ હતી.યારે યુથ કન્વીનર પદે નીરજ ભીમજીયાણી, પ્રિતેશ પીપળીયા, સમીર હાસલિયા, ભરત સોનવાણી, દિશીત પોબારૂ અને ધવલ હુંબલની નિમણુકં કરાઇ હતી.
રાજય સરકાર વતી બિલ્ડર્સને મદદની ખાતરી આપતા મંત્રી રાઘવજી પટેલ
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલએ બિલ્ડર્સ મીટીંગને સંબોધતા કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના તમામ નાગરિકોને રહેવા માટે સારા અને સસ્તા ઘરનું ઘર આપવા વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. જેમાં બિલ્ડરો વિવિધ રીતે ખૂબ સહકાર આપી રહ્યા છે અને એ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપનને સાકાર કરવા પ્રયાસરત છે ત્યારે સરકાર વતી બિલ્ડરોને કોઈપણ મદદ કરવાની ખાતરી આપું છું