‘જીવ’ અને ‘શિવ’ને ‘ખુશ’ કરતું બજેટ મંજૂર
૧૫૦ કરોડનો વેરાવધારો કલમના એક ઝાટકે ઉડાડી દેવાયોRMCના ૨૦૨૫-૨૬ના ૩૧૧૮.૦૭ કરોડના બજેટને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી: ૫૫.૯૨ કરોડની ૨૦ નવી યોજનાનો ઉમેરો
શિવજીને અત્યંત પ્રિય એવા બિલ્વપત્રના વૃક્ષોનું પૂરબહારમાં વાવેતર કરાશે
પ્રજાની કેડે વેરાવધારાનો બોજ નાખવાની જગ્યાએ ખર્ચમાં કાપ મુકી ૫૦ કરોડની બચત કરવાનો નિર્ધાર: જમીન વેચી, ગ્રાઉન્ડ-હોર્ડિંગ સાઈટ ભાડે આપી ૨૮ કરોડ તો ૭૦ કરોડની ગ્રાન્ટ સરકાર પાસેથી મેળવાશે
ત્રિકોણબાગ, કાલાવડ રોડ, ગોંડલ રોડ પાસે સ્કાય વોક-ફૂટ ઓવરબ્રિજ, અવધ રોડ પાસે ઑક્સિજન પાર્ક-આધુનિક ફૂડ કોર્ટ, ત્રણ નવી શાક માર્કેટ, વોર્ડવાઈઝ આધાર કેન્દ્ર સહિતની યોજના અમલી બનાવાશે
મહાપાલિકાના વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફ્ટ બજેટનો એક સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ તેમાં સુધારા-વધારા કરીને મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મ્હોર લગાવી હતી. એકંદરે પદાધિકારીઓ દ્વારા
જીવ’ મતલબ કે લોકો તેમજ પશુઓની સાથે જ ભગવાન `શિવ’ને ખુશ કરી દેતું બજેટ તૈયાર કર્યું હતું. ખાસ કરીને મ્યુ.કમિશનર દ્વારા ૧૫૦ કરોડનો વેરાવધારો સુચવાયો હતો તેને પણ કલમના એક ઝાટકે નામંજૂર કરી પ્રજાને વધુ એક ખુશી આપી હતી. જ્યારે શિવજીને અત્યંત પ્રિય એવા બિલ્વપત્રના વૃક્ષોનું પૂરબહારમાં વાવેતર કરવાની યોજના પણ બજેટમાં સમાવિષ્ટ કરાઈ હતી તો પશુઓ માટે અલાયદું દવાખાનું બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ૬ કરોડનો ઉમેરો કરી ૩૧૧૮.૦૭ કરોડના બજેટને મંજૂરી આપી હતી સાથે સાથે ૫૫.૯૨ કરોડની ૨૦ નવી યોજનાનો ઉમેરો પણ કર્યો હતો. કમિશનર દ્વારા જે વેરાવધારો સુચવાયો હતો તેને મંજૂર કરવાની જગ્યાએ શાસકો દ્વારા ખર્ચમાં કાપ મુકવાનું મુનાસિબ માન્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે મહાપાલિકાના અલગ-અલગ પ્રકારના જેમાં વાહન સહિતના અનેક પ્રકારના ઝીણવટભર્યા ખર્ચ થતાં હતા જેનો આંક ૫૦ કરોડ જેટલો થવા જાય છે તેમાં કાપ મુકી એટલા રૂપિયાની બચત કરવામાં આવશે. આ ઉપરાંત મહાપાલિકાની જમીનનું વેચાણ, ગ્રાઉન્ડ, હોર્ડિંગ સાઈટ ભાડે આપી ૨૮ કરોડ રૂપિયાની આવક રળવામાં આવશે સાથે સાથે ૭૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ સરકાર તરફથી મહાપાલિકાને મળનાર હોવાથી પ્રજા ઉપર ૧૫૦ કરોડનો વેરાવધારો નાખવાની કોઈ જ જરૂરિયાત લાગી રહી નથી.
નવી યોજનાની વાત કરવામાં આવે તો તેમાં ત્રિકોણબાગ, કાલાવડ રોડ અને ગોંડલ રોડ પાસે સ્કાય વોક-ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે જેના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. આ ઉપરાંત લોકોને શુદ્ધ હવા મળી રહે તે માટે અવધ રોડ પાસે ઑક્સિજન પાર્ક તેમજ આધુનિક ફૂડ કોર્ટ, અલગ-અલગ વિસ્તારમાં ત્રણ નવી શાક માર્કેટ, વોર્ડવાઈઝ આધાર કેન્દ્ર સહિતની ૨૦ જેટલી નવી યોજનાઓ અમલી બનાવવામાં આવશે.
બજેટને મંજૂરી આપવામાં આવ્યા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના દંડક મનિષ રાડિયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો-કોર્પોરેટરો દેવાંગ માંકડ, ડૉ.નેહલ શુક્લ, હાર્દિક ગોહિલ, બિપીન બેરા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.